<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

દિલ્હીમાં લાઠીચાર્જના અહેવાલોથી રાજકારણ ગરમાયું: સાંસદ સુપ્રિયા સુલેએ પોલીસ એક્શનની આકરી નિંદા કરતા કહ્યું - 'શાંતિપૂર્ણ વિરોધ એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે!'

વિરોધીઓ પર બળપ્રયોગને સુપ્રિયા સુલેએ 'અસ્વીકાર્ય' ગણાવ્યો, આદિત્ય ઠાકરેએ સરકારને 'કાયર' કહી ગણાવી; જ્યારે દિલ્હી પોલીસે હિંસાના તમામ આરોપોને નકારી કાઢ્યા

તા. 20, જુલાઈ 2026: મુંબઈ: રાજધાની દિલ્હીના જંતર-મંતર પર પરીક્ષા પેપર લીક અને અન્ય ગેરરીતિઓ વિરુદ્ધ ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલને હવે દેશવ્યાપી રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને કાર્યકરો પર કથિત પોલીસ લાઠીચાર્જના અહેવાલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓએ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને આડે હાથ લીધી છે. NCP (SP) ના વરિષ્ઠ સાંસદ સુપ્રિયા સુલે અને શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ આ મામલે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો છે.

અવાજ દબાવવા બળપ્રયોગ કરવો દુર્ભાગ્યપૂર્ણ: સુપ્રિયા સુલે

સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને દિલ્હી પોલીસની કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે લખ્યું, “લોકશાહીમાં, દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે પોતાની ચિંતાઓ અને અવાજ વ્યક્ત કરવાનો બંધારણીય અધિકાર છે. આ બંધારણીય અધિકારનો ઉપયોગ કરનારાઓને સાંભળવાને બદલે, તેમના અવાજોને દબાવવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે.” સુલેએ વધુમાં ઉમેર્યું કે, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ લાંબા સમયથી ન્યાયની માંગ કરી રહ્યા છે, તેથી સરકારે બળજબરી કરવાને બદલે તેમની સાથે અર્થપૂર્ણ સંવાદ સાધવો જોઈએ.

આદિત્ય ઠાકરેનો આકરો પ્રહાર: 'કેટલું કાયર શાસન!'

બીજી તરફ, શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ પણ કથિત લાઠીચાર્જના વાયરલ વીડિયો પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સરકાર પર નિશાન સાધતા 'X' પર લખ્યું, "કેટલું કાયર શાસન છે! જે વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પરીક્ષા પેપર લીક સામે ન્યાય માંગી રહ્યા છે, તેમની સામે આટલા ક્રૂર બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે." સોશિયલ મીડિયા પર આ ઘટનાના દ્રશ્યો વાયરલ થતાં જ લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

દિલ્હી પોલીસનો બચાવ: 'કોઈ હિંસા થઈ જ નથી'

ચોતરફથી ઘેરાયેલી દિલ્હી પોલીસે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને લાઠીચાર્જની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. દિલ્હી પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, "મીડિયાના કેટલાક ભાગોમાં જંતર-મંતર પર હિંસા અથવા બળજબરીથી અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર ચાલી રહ્યા છે, પરંતુ આવી કોઈ ઘટના બની જ નથી. પોલીસ દ્વારા સમગ્ર વિરોધ પ્રદર્શનને અત્યંત વ્યાવસાયિક (Professional) અને કાયદાકીય રીતે હેન્ડલ કરવામાં આવી રહ્યું છે."

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે થયેલી આ ખેંચતાણ અને વિપક્ષના આકરા પ્રહારોને કારણે દિલ્હીનું રાજકીય તાપમાન ઓગસ્ટના ચોમાસુ સત્ર પહેલા જ ચરમસીમાએ પહોંચી ગયું છે.

 

(3:52 PM IST)