હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રૂબિયોની ભારત મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું, 'રૂબિયોએ પોતાના કર્મચારીઓને મુંબઈ બોલાવ્યા છે'
વિદેશ મંત્રાલયના મૌન પર કોંગ્રેસના સવાલો; એસ. જયશંકરની મુલાકાત અને પારદર્શિતાના અભાવે સરકાર પર સાધવામાં આવ્યું નિશાન

નવી દિલ્હી, તા.૧૬: અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ટિપ્પણીઓ બાદ હવે દેશના રાજકારણમાં અમેરિકાના વિદેશ પ્રધાન (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રૂબિયોની ભારત મુલાકાતને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. માર્કો રૂબિયોના ભારત આગમન અને ખાસ કરીને મુંબઈ તથા ગુજરાતના જામનગર પ્રવાસની ચર્ચાઓ વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરો કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકારની વિદેશનીતિ અને સત્તાવાર પ્રક્રિયાઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર કટાક્ષ કરતા લખ્યું હતું કે, "મિસ્ટર રૂબિયોએ પોતાના કર્મચારીઓને મુંબઈ બોલાવ્યા છે. મોદીજી, વિદેશ મંત્રાલયમાં તમારા અધિકારીઓ પણ એ વાતને લઈને મૂંઝવણમાં છે કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે?" તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ વિષય પર કદાચ વડાપ્રધાન પોતે અધિકારીઓને સમજાવી શકે છે અથવા જો તેઓ ઈચ્છે તો વિપક્ષ આ બાબત સ્પષ્ટ કરી શકે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા માર્કો રૂબિયોની મુંબઈ મુલાકાત અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની સંભવિત બેઠકો અંગે વિદેશ મંત્રાલયના મૌન પર પણ આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે.
આ મામલે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ આક્રમક રૂખ અપનાવતા જણાવ્યું હતું કે ભારતમાં અમેરિકી રાજદૂત દ્વારા માર્કો રૂબિયોની મુલાકાત અંગે જાહેરાત થવી અને એવું કહેવું કે ભારતીય વિદેશ મંત્રી પણ તેમાં સામેલ થાય તેવી અપેક્ષા છે, તે અત્યંત અસાધારણ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે દેશની અંદર યોજાનારી વિદેશી મંત્રીઓની બેઠકોની માહિતી હવે વિદેશી રાજદૂતો કેમ આપી રહ્યા છે અને વિદેશ મંત્રાલય આ બાબતે કેમ મૌન ધારણ કરીને બેઠું છે?
કોંગ્રેસ નેતાઓએ 'ઓપરેશન સિંદૂર' નો ઉલ્લેખ કરીને સરકાર પર આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ વિદેશી નેતાઓ દ્વારા ભારતના નિર્ણયો અને ઓપરેશન્સ અંગે જાહેરાતો કરવામાં આવી છે. વિપક્ષી પક્ષોનું માનવું છે કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને વિદેશી બાબતોમાં સરકાર દ્વારા વધુ પારદર્શિતા રાખવી અનિવાર્ય છે. આગામી દિવસોમાં આ મુલાકાતને લઈને સંસદથી લઈને રાજકીય અખાડા સુધી ચર્ચાઓ વધુ તીવ્ર બને તેવી પૂરી સંભાવના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
