<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

TCS ધર્માંતરણ કેસમાં રાજનીતિ ગરમાઈ, નિતેશ રાણે બોલ્યા – "ઓવૈસી અને લાદેન વચ્ચે તફાવત નથી!"

AIMIMને આતંકી સંગઠન ગણાવી નિતેશ રાણેએ પ્રતિબંધની માંગ કરી, કહ્યું – ઓસામાએ અલ-કાયદાથી જે કર્યું તે ઓવૈસી AIMIMથી કરી રહ્યા છે, વારિસ પઠાણે વળતો પ્રહાર કરતા માંગી બરતરફી

મુંબઈ, તા. 11 : નાસિકના ચર્ચિત TCS ધર્માંતરણ અને યૌન ઉત્પીડન કેસમાં રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેએ AIMIM અને પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે "ઓસામા બિન લાદેન અને અસદુદ્દીન ઓવૈસીમાં રત્તીભાર પણ ફરક નથી". નિતેશ રાણેએ AIMIMને આતંકવાદી સંગઠન ગણાવી પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી છે.

 

શું છે સમગ્ર મામલો?

 

આ વિવાદ નાસિકના TCS ધર્મ પરિવર્તન કેસ સાથે જોડાયેલો છે. આ કેસમાં મુખ્ય આરોપી નિદા ખાનને શરણ આપવાનો આરોપ AIMIMના કોર્પોરેટર મતીન મજીદ પટેલ પર લાગ્યો છે. પોલીસે નિદા ખાનને છત્રપતિ સંભાજીનગરના નારેગાંવથી પકડી હતી અને આરોપ છે કે મતીન પટેલે નિદા ખાન અને તેના પરિવારને આશ્રય આપ્યો હતો. આ મામલે પૂછાયેલા સવાલ પર નિતેશ રાણેએ AIMIM પર નિશાન સાધ્યું.

 

નિતેશ રાણેએ શું કહ્યું?

 

નિતેશ રાણેએ કહ્યું, "AIMIM એક આતંકવાદી સંગઠન છે. ઓસામા બિન લાદેન અલ-કાયદા મારફતે જે કામ કરતો હતો, બરાબર એ જ કામ હવે અસદુદ્દીન ઓવૈસી AIMIM મારફતે કરી રહ્યા છે". તેમણે સવાલ ઉઠાવ્યો કે ચૂંટાયા બાદ AIMIMએ કયું મોટું કામ કર્યું? તેમના ઢંઢેરામાં માત્ર એક જ એજન્ડા છે કે તેઓ જિહાદ કરશે. નિતેશ રાણેએ માંગ કરી કે "જે રીતે અમે PFI પર પ્રતિબંધ લગાવ્યો, એ જ રીતે AIMIM પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ".

 

AIMIMનો વળતો પ્રહાર

 

નિતેશ રાણેના નિવેદન બાદ AIMIM નેતા વારિસ પઠાણે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, "તેઓ આવી ટિપ્પણીઓ કરવાવાળા કોણ હોય? અમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને અપીલ કરીએ છીએ કે તેમને મંત્રી પદ પરથી તાત્કાલિક હટાવવામાં આવે. આ વ્યક્તિ મંત્રી બનવા લાયક નથી".

 

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ નિતેશ રાણેએ AIMIMને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું. આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ ઉભો થયો છે અને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ બની છે.

(3:16 PM IST)