<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

કંગાળ પાકિસ્તાન વધુ ઊંડા આર્થિક સંકટમાં ફસાયું: ગરીબી વધીને ૨૮.૯% એ પહોંચી, બેરોજગારોનો આંકડો ૫૯ લાખને પાર!

સામાજિક કલ્યાણના અબજો રૂપિયાના ખર્ચ છતાં ઘરો પર વધતું આર્થિક દબાણ; બલુચિસ્તાન દેશનો સૌથી ગરીબ પ્રાંત બન્યો જ્યાં દર ૪૭ ટકા સુધી પહોંચ્યો

નવી દિલ્હી : આર્થિક તંગી અને મોંઘવારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન વધુ ઊંડા સામાજિક અને આર્થિક સંકટમાં ધકેલાઈ ગયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પાકિસ્તાનના તાજેતરના આર્થિક સર્વેક્ષણને ટાંકીને બહાર આવેલા અહેવાલ અનુસાર, દેશમાં રાષ્ટ્રીય ગરીબી દર ચિંતાજનક રીતે વધીને ૨૮.૯ ટકા થઈ ગયો છે, જે એક વર્ષ અગાઉ ૨૧.૯ ટકા હતો. આ સાથે જ દેશમાં બેરોજગારી દર પણ વધીને ૭.૧ ટકાએ પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં સામાન્ય પરિવાર પર જીવનનિર્વાહનું દબાણ ચરમસીમાએ છે.

 

ચારેય પ્રાંતોમાં ગરીબીનું પ્રમાણ ભયજનક સ્તરે વધ્યું:

 

અહેવાલના પ્રાંતીય આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનના તમામ મુખ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ કફોડી બની છે. પંજાબ પ્રાંતમાં ગરીબી દર ૧૬.૫ ટકાથી વધીને ૨૩.૩ ટકા અને સિંધમાં ૨૪.૫ ટકાથી વધીને ૩૨.૬ ટકા થયો છે. ખૈબર પખ્તુનખ્વામાં ગરીબી ૨૮.૭ ટકાથી વધીને ૩૫.૩ ટકા થઈ છે. જ્યારે બલુચિસ્તાન દેશનો સૌથી ગરીબ પ્રાંત રહ્યો છે, જ્યાં અડધાથી વધુ વસ્તી ગરીબીરેખા હેઠળ જીવવા મજબૂર છે અને ગરીબીનો દર ૪૧.૮ ટકાથી વધીને ૪૭ ટકાના આંકડાને સ્પર્શી ગયો છે.

 

બેરોજગારીનો દર ૭.૧% થયો, ૫૯ લાખ લોકો રોજગારવિહોણા:

 

આર્થિક મંદીના કારણે દેશમાં રોજગારીની નવી તકો ઉભી થવાને બદલે લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે. દેશમાં બેરોજગાર લોકોની સંખ્યા ૪૫ લાખથી વધીને ૫૯ લાખ થઈ ગઈ છે. રોજગાર ક્ષેત્રે સર્જાયેલા આ મોટા પડકારને કારણે ઘરોની આવક તળિયે બેસી ગઈ છે અને નાગરિકો માટે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

 

BISP ની કરોડોની આર્થિક મદદ પણ નિષ્ફળ:

 

પાકિસ્તાન સરકારે ઓછી આવક ધરાવતા પરિવારોને રોકડ સહાય પૂરી પાડવા માટે પોતાના મુખ્ય સામાજિક કલ્યાણ કાર્યક્રમ 'બેનઝીર આવક સહાય કાર્યક્રમ' (BISP) હેઠળ ૭૨૨.૯ અબજ પાકિસ્તાની રૂપિયાની ફાળવણી કરી હતી, જેમાંથી ૫૪૦.૨૭ અબજ રૂપિયા જારી પણ કરાયા હતા. જોકે, નિષ્ણાતોના મતે માત્ર રોકડ ટ્રાન્સફરથી ગરીબી દૂર થઈ શકે નહીં. પાકિસ્તાનને આ કટોકટીમાંથી બહાર નીકળવા માટે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ગ્રામીણ ઔદ્યોગિકીકરણ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને મજબૂત રોજગારીનું સર્જન કરવું પડશે.

 

(7:13 PM IST)