News of Wednesday, 15th April 2026
પોરબંદરની દીકરીનો સાત સમુદ્ર પાર ડંકો: યુગાન્ડાના પાવરફુલ ડિપ્લોમેટ નિમિષાબેન માધવાણીની પ્રેરણાદાયી સફર, ખાનપાનમાં શુદ્ધ ગુજરાતી પણ કામમાં ગ્લોબલ લીડર
૧૪ વર્ષની વયે યુગાન્ડા ગયેલા દાદાના વારસાને પૌત્રીએ આપી નવી ઊંચાઈ: ઈદી અમીનના અત્યાચારો અને પિતાના અકાળે અવસાન વચ્ચે પણ નિમિષાબેને કંડારી સફળતાની કેડી

પોરબંદર, તા.૧૫: ગુજરાતની ધરતીએ અનેક રત્નો પેદા કર્યા છે જેણે વિશ્વભરમાં ભારતની ઓળખ મજબૂત કરી છે. આવું જ એક તેજસ્વી નામ એટલે નિમિષા જયંત માધવાણી. મૂળ પોરબંદરના આસિયાપાટ ગામના વતની અને હાલ નોર્ડિક દેશોમાં યુગાન્ડાના રાજદૂત (Ambassador) તરીકે કાર્યરત નિમિષાબેનનું જીવન મક્કમતા, સંઘર્ષ અને ભવ્ય સફળતાનું જીવંત ઉદાહરણ છે. તેમણે સાબિત કરી દીધું છે કે સંસ્કારોનું ભાથું જો મજબૂત હોય, તો દુનિયાના કોઈ પણ ખૂણે ગુજરાતી અસ્મિતાનો ઝંડો લહેરાવી શકાય છે.
નિમિષાબેનનો પરિવાર વ્યવસાયિક જગતમાં મોટું નામ ધરાવે છે. તેમના દાદા મૂળજીભાઈ માધવાણી ૧૯૦૮માં માત્ર ૧૪ વર્ષની ઉંમરે સપનાઓ લઈને યુગાન્ડા પહોંચ્યા હતા અને ત્યાં કપાસ, કોફી તથા ખાંડનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. નિમિષાબેનનો જન્મ યુગાન્ડાના કંપાલામાં થયો હતો, પરંતુ તેમના મૂળ હંમેશા પોરબંદરની માટી સાથે જોડાયેલા રહ્યા છે.
પડકારો વચ્ચે ઘડાયેલું વ્યક્તિત્વ
નિમિષાબેનનું જીવન ફૂલોની પથારી જેવું નહોતું. જ્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે જ તેમના પિતા જયંતભાઈનું ૪૯ વર્ષની વયે નિધન થયું. આ સિવાય યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીનના શાસન દરમિયાન એશિયનો પર થયેલા દમન વચ્ચે પણ તેમના પરિવારે હિંમત હાર્યા વગર લડત આપી હતી. તેમની માતા મીનાબેને આ કપરા સમયમાં પરિવારને જે રીતે સંભાળ્યો, તેમાંથી જ નિમિષાબેને જીવનના પાઠ શીખ્યા છે.
શિક્ષણ અને ગ્લોબલ કેરિયર
અમેરિકાની પ્રતિષ્ઠિત બ્રાયન માવર કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કરનાર નિમિષાબેને તેમની કારકિર્દીની શરૂઆત ટૂરિઝમ ઉદ્યોગથી કરી હતી. જોકે, તેમની પ્રતિભા તેમને રાજદ્વારી દુનિયામાં લઈ ગઈ.
• વોશિંગ્ટન ડીસી: પ્રથમ મહત્વની નિમણૂક ફર્સ્ટ સેક્રેટરી તરીકે.
• ભારત કનેક્શન: ૨૦૦૬માં ભારત ખાતે યુગાન્ડાના હાઈ કમિશનર તરીકે સેવા આપી.
• વૈશ્વિક ફલક: ફ્રાન્સ, પોર્ટુગલ, શ્રીલંકા અને સિંગાપોર જેવા દેશોમાં ભારત અને યુગાન્ડાના સંબંધો મજબૂત કર્યા.
• હાલની ભૂમિકા: ડેનમાર્ક, સ્વીડન, નોર્વે જેવા નોર્ડિક દેશોમાં રાજદૂત તરીકે કાર્યરત.
ગુજરાતીપણું અને સમાજસેવા
વિદેશમાં આટલા ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં નિમિષાબેનનું હૃદય શુદ્ધ ગુજરાતી છે. તેમને આજે પણ ભોજનમાં બાજરીનો રોટલો, લસણની ચટણી, કઢી અને પુરણપોળી અત્યંત પ્રિય છે. ૧૯૮૪માં તેમણે 'સરગમ' નામની ચેરિટી સંસ્થા સ્થાપી હતી, જેના દ્વારા તેઓ અનેક સામાજિક કાર્યો કરે છે. તેમની આ સેવાઓની કદર કરતા યુગાન્ડાના રાષ્ટ્રપતિએ તેમને 'ગોલ્ડન જ્યુબિલી મેડલ' થી સન્માનિત કર્યા છે.
સ્વિમિંગ અને કસરતને પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય માનતા નિમિષાબેન માધવાણી આજે દરેક ગુજરાતી નારી માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે સાબિત કર્યું છે કે ગુજરાતી નારી માત્ર ઘર જ નહીં, પણ આખી દુનિયાના રાજદ્વારી મંચને કુશળતાથી સંભાળી શકે છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
