News of Wednesday, 22nd July 2026
આઇટી રિટર્ન ભરવાને માત્ર ૧૦ દિવસ બાકી છતાં પોર્ટલના ધાંધિયા શરૂ: ઓટીપી સ્વીકારાતો નથી, સામે સીબીડીટીનો દાવો સિસ્ટમ અપગ્રેડ કરાઈ

નવી દિલ્હી: આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ નજીક આવી રહી છે. રિટર્ન ફાઈલ કરવા માટે હવે માત્ર ગણતરીના ૧૦ દિવસ બાકી છે ત્યારે આઇટી પોર્ટલ પર ફરીથી ટેકનિકલ ખામીઓ સર્જાવા લાગી છે. કરદાતાઓને ઓટીપી અને ફાઈલિંગમાં ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે નાણા મંત્રાલય અને સીબીડીટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સિસ્ટમને કોઈપણ પ્રકારના ટ્રાફિકને પહોંચી વળવા માટે અપગ્રેડ કરી દેવામાં આવી છે.
ઓટીપી આવે છે પણ પોર્ટલ પર સ્વીકારાતો નથી
સામાન્ય કરદાતાઓએ દંડ વિના રિટર્ન ભરવા માટે ૩૧ જુલાઈ સુધીની સમયમર્યાદા સાચવવાની હોય છે. પરંતુ હાલમાં કરદાતાઓ જ્યારે પોર્ટલ પર રિટર્ન અપલોડ કરવાની પ્રક્રિયા કરે છે ત્યારે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી તો આવે છે પરંતુ પોર્ટલ પર તેને દાખલ કરતા તે સ્વીકારવામાં આવતો નથી. આવી વ્યાપક ફરિયાદો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને અન્ય માધ્યમો પર ઉઠી રહી છે. જો છેલ્લા દિવસોમાં આ સમસ્યા વકરશે તો કરદાતાઓએ દંડ ભરવાનો વારો આવી શકે છે.
એક તરફ કરદાતાઓ વિવિધ માધ્યમો પર ફરિયાદ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ૨૧ જુલાઈના રોજ લોકસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે અગાઉની સિઝનમાં પડેલી મુશ્કેલીઓ બાદ પોર્ટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરાયો છે. ભારે ટ્રાફિકના સમયે ક્યારેક ધીમો રિસ્પોન્સ મળી શકે છે તેમ છતાં પોર્ટલ મોટાભાગે સ્થિર રહ્યું છે.
રોજના ૧ કરોડ રિટર્ન પ્રોસેસ થશે, ચોવીસ કલાક મોનિટરિંગ
સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા ઈ-ફાઈલિંગ ઈકોસિસ્ટમનું પરફોર્મન્સ ટેસ્ટિંગ કરીને તેને એક જ દિવસમાં ૧ કરોડ આવકવેરા રિટર્ન પ્રોસેસ કરવા સક્ષમ બનાવાઈ છે. આ માટે ખાસ સેન્ટ્રલ વોર રૂમ સાથે ચોવીસ કલાક સાતેય દિવસ મોનિટરિંગ ફ્રેમવર્ક ઉભુ કરાયું છે. સ્ટોરેજ મેમરી અને ઈન્ટરનેટ બેન્ડવિડ્થ વધારવામાં આવી છે. સાયબર હુમલાઓ સામે રક્ષણ આપવા ફાયરવોલ પણ અપગ્રેડ કરાઈ છે.
નાણા મંત્રાલયની સત્તાવાર વિગતો મુજબ ગયા વર્ષની સરખામણીમાં પોર્ટલ પર ટ્રાફિક નોંધપાત્ર વધ્યો છે. ૮ જુલાઈથી ૧૪ જુલાઈ વચ્ચે દૈનિક રિટર્ન ફાઈલિંગ બમણાથી વધુ થયું છે. માત્ર ૧૪ જુલાઈના રોજ જ ૧૨.૨૨ લાખ રિટર્ન ફાઈલ થયા હતા અને દૈનિક લોગિન ૯૯ લાખ સુધી પહોંચી ગયું હતું. તે દિવસે પોર્ટલ પર એકંદર વ્યવહારો ૧.૬૧ કરોડ સુધી પહોંચ્યા હતા. સરકારના દાવા મુજબ સુધારેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પોર્ટલ ઊંચા ટ્રાન્ઝેક્શન વોલ્યુમને સંભાળી શકશે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
