News of Saturday, 10th October 2026
પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સામે લીધા કડક પગલાં: રાષ્ટ્રીય શિબિર અધવચ્ચે છોડવા બદલ અસ્થાયી સસ્પેન્શન
કોચ સાથેના વિવાદ બાદ ટીમ છોડીને ક્લબ અલ-નાસર પરત ફરનાર રોનાલ્ડો પર શિસ્તભંગની કાર્યવાહી શરૂ; ૧ થી ૬ મહિના સુધીના પ્રતિબંધની સંભાવના

લિસબન : ફૂટબોલ જગતમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને (FPF) સ્ટાર ફુટબોલર અને રાષ્ટ્રીય ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સામે મોટી શિસ્તભંગની કાર્યવાહી કરતા તેને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધો છે. UEFA નેશન્સ લીગની મહત્વપૂર્ણ મેચો વચ્ચે કોઈપણ અધિકૃત મંજૂરી વિના રાષ્ટ્રીય ટીમની શિબિર (કેમ્પ) અધવચ્ચે જ છોડીને ચાલ્યા જવાના મામલે આ પગલું ભરવામાં આવ્યું છે.
ફેડરેશન દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ૯ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ નોન-પ્રોફેશનલ સેક્શનના નિર્ણય બાદ રોનાલ્ડો (ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડોસ સાન્તોસ એવેરો) સામે શિસ્તભંગની ઔપચારિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તપાસ ૭ ઓક્ટોબરના રોજ બનેલી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં હાથ ધરવામાં આવી રહી છે. અગાઉના સ્વચાલિત કામચલાઉ સસ્પેન્શન ઉપરાંત ફેડરેશને હવે બિન-સ્વચાલિત કામચલાઉ સસ્પેન્શન પણ લાદી દીધું છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ, પાંચ વખતનો બેલોન ડી'ઓર વિજેતા રોનાલ્ડો વેલ્સ અને નોર્વે સામેની નેશન્સ લીગની મેચો માટે તૈયાર કરાયેલી ટીમની પસંદગી અને રણનીતિથી નાખુશ હતો. રોનાલ્ડોએ વેલ્સ સામેની મેચમાં શરૂઆત કરી હતી, પરંતુ તેને નોર્વે સામેની મેચ માટે પ્લેઇંગ ઇલેવન કે ટીમમાં સ્થાન મળ્યું ન હતું, જેના કારણે તે નારાજ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ જોર્જ જીસસ સાથે થયેલા મનદુઃખ અને વિવાદ બાદ રોનાલ્ડો રાષ્ટ્રીય કેમ્પ છોડીને સીધો તેની ક્લબ 'અલ-નાસર' સાથે જોડાઈ ગયો હતો.
આ મામલે પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશનના શિસ્ત નિયમોની કલમ ૧૬૦ સ્પષ્ટ કરે છે કે કોઈપણ માન્ય કારણ વગર રાષ્ટ્રીય ટીમની ફરજ કે કેમ્પ છોડી દેવાના કિસ્સામાં ખેલાડીને એકથી છ મહિના સુધીનું સસ્પેન્શન મળી શકે છે. જોકે, ફેડરેશનની શિસ્ત તપાસ સમિતિ સમક્ષ આ કેસ ૧૦ ઓક્ટોબરે રજૂ કરવામાં આવ્યો છે અને હાલ તપાસ ચાલી રહી હોવાથી અંતિમ સજા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના દેશ પોર્ટુગલ માટે અત્યાર સુધીમાં ૨૩૪ આંતરરાષ્ટ્રીય મેચો રમીને ૧૪૬ ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ફૂટબોલ ઇતિહાસના આ દિગ્ગજ ખેલાડી સામે ફેડરેશન દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી રમતગમત જગતમાં ભારે ચર્ચા જાગી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મા અંગે અન્ય કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
