તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
દિલ્હી-ચેન્નઈ ઇન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ધડાકા સાથે સળગી ઊઠી : હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ક્રૂની સમયસૂચકતાના કારણે એક મોટો અને ભયાનક અકસ્માત ટળી ગયો : તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો

હૈદરાબાદ : દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં વચગાળાના આકાશમાં એ સમયે ભારે સન્નાટો અને ડરનો માહોલ છવાઈ ગયો, જ્યારે એક મુસાફરની પાવર બેંકમાં અચાનક સ્પાર્ક થતાં આગ લાગી ગઈ. વાદળોની વચ્ચે હજારો ફૂટની ઊંચાઈએ મુસાફરો કઈ સમજે તે પહેલાં જ ફ્લાઇટના કેબિનમાં ધુમાડાના ગોટા ફેલાવા લાગ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને પાઇલટે તાત્કાલિક નિર્ણય લઈને વિમાનને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળી દીધું હતું અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
હવામાં સર્જાયેલી આ કટોકટી વખતે ઇન્ડિગો ફ્લાઇટ (6E 6115) ના ફ્લાઇટ ક્રૂએ અદ્ભુત ધૈર્ય અને ઝડપી સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. ધુમાડો અને આગ જોતાં જ કેબિન ક્રૂ મેમ્બર્સે મુસાફરોને શાંત પાડીને વિમાનમાં રહેલા ફાયર એક્સ્ટિન્ગ્વિશર (અગ્નિશામક યંત્ર) નો ઉપયોગ કરી પળવારમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ક્રૂની સમયસૂચકતાના કારણે એક મોટો અને ભયાનક અકસ્માત ટળી ગયો હતો, જેથી તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિમાનનું હૈદરાબાદ એરપોર્ટ પર સલામત લેન્ડિંગ થતાં જ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી અને ટેકનિકલ ટીમ દ્વારા ફ્લાઇટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે, તેમજ પાવર બેંકમાં કયા કારણોસર બ્લાસ્ટ થયો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મુસાફરોને તેમની આગળની મુસાફરી માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા પૂરી પાડવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
