<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

મુંબઈ લોકલના લેડીઝ ડબ્બામાં પાવર બેંક ફાટતા ધડાકો, મહિલાઓની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો

ચાલતી ટ્રેનમાં અચાનક આગ લાગતા નાસભાગ વચ્ચે મુસાફરોની હિમ્મત અને સૂઝબૂઝથી અનિષ્ટ ટળ્યાનો કિસ્સો

મુંબઈ : મુંબઈની લોકલ ટ્રેનના મહિલા કોચમાં સળગતી પાવર બેંકના વિસ્ફોટે ભારે અફરાતફરી મચાવી દીધી હતી. ધડાકા સાથે આગ પકડાયેલી બેગ જોઈને મુસાફરો ગભરાઈ ગયા હતા, પરંતુ મહિલા મુસાફરોએ સમયસૂચકતા અને સાહસ બતાવીને તુરંત અલાર્મ ચેઈન ખેંચી સળગતી બેગ બહાર ફેંકી દેતા મોટી હોનારત ટળી હતી.

મળતી વિગતો મુજબ, લોકલ ટ્રેન નંબર DBL-2ના લેડીઝ ડબ્બામાં મુસાફરી કરી રહેલી એક મહિલાની બેગમાં રાખેલી પાવર બેંક અચાનક ધડાકા સાથે ફાટી હતી. વિસ્ફોટ થતાં જ બેગમાં ઝડપથી આગ પકડાતા ડબ્બામાં નાસભાગ મચી ગઈ હતી. ગભરાટના વાતાવરણ વચ્ચે પણ મહિલા મુસાફરોએ ધીરજ ન ગુમાવી અને તુરંત જ અલાર્મ ચેઈન (ACP) ખેંચીને ટ્રેનને થોભાવી હતી. ત્યારબાદ તેમણે હિમ્મતપૂર્વક સળગતી બેગને ટ્રેનની બહાર ફેંકી દીધી હતી અને પાણી છાંટીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે ટ્રેનને બપોરે 12:51થી 12:53 વાગ્યા સુધી ઘાટકોપર સ્ટેશન પર રોકી રાખવામાં આવી હતી.

બનાવની જાણ થતાં જ TSRTનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને અલાર્મ ચેઈન સિસ્ટમ રિસેટ કરીને ઘટનાસ્થળની તસવીરો લીધી હતી. જોકે, સ્ટાફ દ્વારા સંબંધિત મુસાફરની કોઈ વ્યક્તિગત માહિતી નોંધવામાં આવી ન હતી. ચાલતી લોકલ ટ્રેનમાં પાવર બેંક વિસ્ફોટ થવાની આ ઘટનાએ રેલવે સિક્યુરિટી અને મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને લિથિયમ-આયન બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે ટ્રેનોમાં આગ લાગવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઘટના બાદ રેલવે પ્રશાસન દ્વારા ઈલેક્ટ્રોનિક ઉપકરણોની સુરક્ષિત વપરાશ અંગે મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે અને સુરક્ષા તપાસ વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.

(11:45 PM IST)