News of Friday, 1st May 2026
ઈરાનમાં સત્તાનો જંગ તેજ: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને વિદેશ પ્રધાન અરાઘચી વચ્ચે ‘સિવિલ વોર’ : ગમે ત્યારે પડી શકે છે વિકેટ!
ઈરાની શાસનમાં ભયંકર વિખવાદ: રાષ્ટ્રપતિને અંધારામાં રાખી પરમાણુ વાટાઘાટો કરવાનો અરાઘચી પર આરોપ : સત્તાના કોરિડોરમાં મસમોટું ગાબડું

તેહરાન: ઈરાન અત્યારે માત્ર બહારથી અમેરિકા સાથેના તણાવનો જ સામનો નથી કરી રહ્યું, પરંતુ તેની અંદરની સત્તાવાર લડાઈ પણ ચરમસીમાએ પહોંચી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને તેમના જ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચેનો ગજગ્રાહ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન પોતાના વિદેશ પ્રધાનની કાર્યશૈલીથી અત્યંત નારાજ છે અને તેમને પદ પરથી હટાવવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે. આ વિવાદનું મુખ્ય કારણ એ છે કે અરાઘચી પરમાણુ વાટાઘાટો જેવી સંવેદનશીલ બાબતોમાં રાષ્ટ્રપતિને વિશ્વાસમાં લેવાને બદલે તેમને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યા હોવાનું મનાય છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વિદેશ પ્રધાન અરાઘચી સીધા ઈરાનના શક્તિશાળી લશ્કરી સંગઠન 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ના કમાન્ડર અહમદ વાહિદીના ઈશારે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનને લાગે છે કે તેમની સત્તા નબળી પાડવામાં આવી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે રાષ્ટ્રપતિ પાસેથી સરકારી અધિકારીઓની નિમણૂક કરવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો હોવાના અહેવાલો છે, જે હવે સીધું લશ્કરના નિયંત્રણમાં છે. આ આંતરિક ખેંચતાણના કારણે ઈરાનનું વૈશ્વિક સ્તરે રાજદ્વારી વલણ પણ નબળું પડી રહ્યું હોય તેમ જણાય છે.
આ વિવાદમાં વધુ ઘી ત્યારે હોમાયું જ્યારે સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે વાટાઘાટ ટીમના વડા તરીકે રાજીનામું આપી દીધું. ગાલિબાફના ગયા પછી અરાઘચીએ એકલા હાથે રજૂ કરેલા પ્રસ્તાવને અમેરિકાએ ફગાવી દેતા ઈરાની શાસનની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે કિરીટિ થઈ છે. હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન આ 'બળવાખોર' વિદેશ પ્રધાનને હટાવીને પોતાની સત્તા ફરી સ્થાપિત કરી શકે છે કે પછી ઈરાનનું લશ્કરી શાસન તેમને વધુ ખૂણે ધકેલી દેશે. ઈરાનનું આ રાજકીય સંકટ આવનારા દિવસોમાં મધ્ય પૂર્વની સ્થિતિ પર મોટી અસર કરી શકે છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
