News of Friday, 1st May 2026
ઈરાનમાં સત્તાસંઘર્ષ ચરમસીમાએ: રાષ્ટ્રપતિ પેજેશકિયાન વિદેશ મંત્રી અરાઘચીને પદ પરથી હટાવવાની તૈયારીમાં, જાણો શું છે અસલી વિવાદ!
રિવોલ્યુશનરી ગાર્ડ્સના ઈશારે નાચવાનો લાગ્યો આરોપ; રાષ્ટ્રપતિને અંધારામાં રાખીને નિર્ણયો લેતા હોવાથી ઈરાની રાજકારણમાં મચી ભારે ખલબલી

તેહરાન: તા.૦૧: ઈરાનના રાજકારણમાં હાલમાં આંતરિક ખેંચતાણ અને સત્તા સંઘર્ષના સમાચારથી ગરમાવો આવી ગયો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન અને સંસદના સ્પીકર મહોમ્મદ બાકેર ગાલિબફ હવે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને તેમના પદ પરથી વિદાય આપવાની પેરવીમાં છે. આ મામલે બ્રિટન સ્થિત મીડિયા આઉટલેટ 'ઈરાન ઈન્ટરનેશનલ' દ્વારા કરવામાં આવેલ દાવો ઈરાની નેતૃત્વમાં પડેલા મોટા ગાબડા તરફ ઈશારો કરી રહ્યો છે.
વિદેશ મંત્રી અરાઘચી પર એવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ રાષ્ટ્રપતિ પદની ગરિમા અને સૂચનાઓની સતત અવગણના કરી રહ્યા છે. અરાઘચી પરના આક્ષેપો મુજબ, તેઓ દેશના વિદેશ મંત્રી તરીકે ઓછું અને ઈરાનના શક્તિશાળી 'રિવોલ્યુશનરી ગાર્ડ્સ'ના કમાન્ડર અહમદ વાહીદીના સહાયક તરીકે વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. આ આંતરિક ખટપટને કારણે રાષ્ટ્રપતિ પેજેશકિયાન અને સ્પીકર ગાલિબફ હવે તેમને મંત્રીમંડળમાંથી દૂર કરવા માટે મક્કમ બન્યા હોય તેમ લાગી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી અરાઘચી સીધા કમાન્ડર અહમદ વાહીદી સાથે સંકલન સાધીને કાર્ય કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિને જાણ કર્યા વિના જ રિવોલ્યુશનરી ગાર્ડ્સના નિર્દેશો પર આધારિત નીતિઓ અમલમાં મૂકી રહ્યા છે. મંત્રીમંડળમાં રહીને રાષ્ટ્રપતિને બાયપાસ કરવાની આ પદ્ધતિએ પેજેશકિયાન સરકાર માટે સંકટ ઊભું કર્યું છે. જો અરાઘચીને ખરેખર હટાવવામાં આવશે, તો તે ઈરાની સત્તાના માળખામાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના વધતા પ્રભાવ સામે રાષ્ટ્રપતિનો મોટો બળવો સાબિત થઈ શકે છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
