<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા પરમાણુ મથકનો વીજપુરવઠો ખોરવાયો : ડીઝલ જનરેટરના સહારે સુરક્ષા વ્યવસ્થા, કિરણોત્સર્ગ સામાન્ય હોવાનો દાવો

રશિયાના નિયંત્રણ હેઠળના પરમાણુ મથકની ૩૩૦ કિલોવોલ્ટની વીજલાઇન બંધ : ચાલુ વર્ષમાં ૧૬મી વખત વીજપુરવઠો ખોરવાયો : પરમાણુ સુરક્ષા અંગે ચિંતા

કિવ  : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે દક્ષિણ-પૂર્વ યુક્રેનમાં આવેલા યુરોપના સૌથી મોટા ઝાપોરિઝ્ઝિયા પરમાણુ વીજમથકનો બહારથી મળતો વીજપુરવઠો રવિવારે ખોરવાતાં પરમાણુ સુરક્ષા અંગે ચિંતા સર્જાઈ છે. યુક્રેનની સરકારી પરમાણુ ઊર્જા કંપની એનર્ગોએટમના જણાવ્યા અનુસાર સવારે ૨:૩૬ વાગ્યે મથકની છેલ્લી કાર્યરત ૩૩૦ કિલોવોલ્ટની ફેરોસ્પ્લાવના-૧ વીજલાઇન બંધ થઈ હતી. ફરી વીજજોડાણ સ્થાપવાનો પ્રયાસ સફળ થયો નહોતો.

 

રશિયન નિયુક્ત સંચાલનતંત્રના જણાવ્યા મુજબ વીજલાઇનને નુકસાન થતાં સ્વચાલિત સુરક્ષા વ્યવસ્થાએ લાઇન બંધ કરી દીધી હતી. ત્યારબાદ પરમાણુ મથકનાં મહત્વપૂર્ણ સુરક્ષા ઉપકરણોને ડીઝલ જનરેટર દ્વારા વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. કર્મચારીઓ તમામ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે અને મથક તથા આસપાસના વિસ્તારમાં કિરણોત્સર્ગનું સ્તર સામાન્ય હોવાનું સંચાલનતંત્રએ જણાવ્યું છે.

 

યુક્રેનની એનર્ગોએટમ કંપનીના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષમાં આ ૧૬મી વખત મથકનો સંપૂર્ણ બાહ્ય વીજપુરવઠો ખોરવાયો છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી અગાઉ પણ ચેતવણી આપી ચૂકી છે કે રિએક્ટર અને પરમાણુ ઇંધણને ઠંડું રાખતી વ્યવસ્થા માટે અવિરત વીજપુરવઠો અત્યંત જરૂરી છે. જનરેટર લાંબા સમય સુધી બંધ પડે અથવા ઇંધણની અછત સર્જાય તો ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

(5:47 PM IST)