News of Thursday, 16th July 2026
ન્યુઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ : પ્રવાસી મથક ટે અનાઉથી ૪૦ કિમી દૂર ભારે કંપન બાદ સુનામીની એડવાઇઝરી જારી કરાઈ
દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજા ઉછળવાની અને પ્રચંડ કરંટની આશંકા વચ્ચે લોકોને બીચ અને નદીઓથી દૂર રહેવા ચેતવણી : શરૂઆતમાં સુનામી વોર્નિંગ આપ્યા બાદ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ખતરો ઘટતા તેને એડવાઇઝરીમાં ફેરવવામાં આવી

વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં ગુરુવારે રાત્રે ભૂકંપનો એક જોરદાર આંચકો અનુભવાયો છે. ભારતીય સમય અનુસાર સાંજે અને સ્થાનિક સમય (NZST) મુજબ રાત્રે ૯:૧૪ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા ૬.૬ નોંધાઈ હતી, જેનું કેન્દ્રબિંદુ પ્રખ્યાત પ્રવાસી ક્ષેત્ર ફિઓર્ડલેન્ડના પ્રવેશદ્વાર ગણાતા ટે અનાઉ શહેરથી આશરે ૪૦ કિલોમીટર ઉત્તરમાં જમીનથી ૫૩.૧ કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું. ભૂકંપના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની આશંકાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી અને શરૂઆતમાં વહીવટી તંત્ર દ્વારા સુનામીની કડક ચેતવણી જારી કરવામાં આવી હતી.
વિવિધ એજન્સીઓ દ્વારા તીવ્રતાની વિગતો અને આંચકાની અસર:
આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ટે અનાઉ ઉપરાંત મિલફોર્ડ સાઉન્ડ, ક્વીન્સટાઉન, લમ્સડેન, તુઆતાપેરે, વાનાકા, એલેક્ઝાન્ડ્રા, રોક્સબર્ગ, ગોર, ઇન્વરકાર્ગિલ, હાસ્ટ, રેનફર્લી, બાલક્લુથા, ટ્વિઝલ અને તેની આસપાસના વિશાળ વિસ્તારોમાં ખૂબ જ તીવ્રતાથી અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અને જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસ (GFZ) ના અંદાજ અનુસાર, આ આંચકો ૫.૯ ની તીવ્રતાનો અને ૫૦ કિલોમીટરથી વધુની ઊંડાઈએ નોંધાયો હતો. જ્યારે એક્સપ્રેસ ગ્લોબલ ડેસ્કના અહેવાલો અને પ્રારંભિક આંકડાઓ મુજબ તીવ્રતા ૬.૩ પણ દર્શાવવામાં આવી હતી.
સુનામી વોર્નિંગને એડવાઇઝરીમાં ડાઉનગ્રેડ કરાઈ:
ભૂકંપ આવ્યા બાદ ન્યુઝીલેન્ડની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) દ્વારા તુરંત જ દરિયાકાંઠાના વિસ્તારો માટે નેશનલ વોર્નિંગ જારી કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ભૂકંપની સુધારેલી તીવ્રતા ૫.૯ આંકવામાં આવતા એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરીને સુનામીની ચેતવણીને સામાન્ય 'એડવાઇઝરી' (સલાહ) માં ફેરવી દીધી હતી. એજન્સીએ સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં કોઈ મોટા પૂર કે પાણી શહેરોમાં ઘૂસી જવાની સંભાવના નથી, પરંતુ દરિયાના પ્રવાહમાં મોટો ફેરફાર થઈ શકે છે.
નાગરિકો, પ્રવાસીઓ અને માછીમારો માટે ખાસ સુરક્ષા સૂચનાઓ:
ન્યુઝીલેન્ડ સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા જારી કરાયેલી સત્તાવાર માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ભૂકંપને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે, અણધાર્યા અને જોખમી કરંટ તેમજ દરિયાઈ મોજા ઉછળવાની પુરેપુરી શક્યતા છે. આ સ્થિતિ સ્વિમર્સ, સર્ફર્સ, માછીમારી કરતા લોકો તેમજ કિનારે ફરતા લોકો માટે જીવનું જોખમ ઊભું કરી શકે છે.
સિવિલ ડિફેન્સ દ્વારા દરિયા કિનારે હાજર તમામ લોકોને તાત્કાલિક ધોરણે બીચ, એસ્ટ્યુરી (ખાડી), બંદરો અને નદીઓના પટ વિસ્તારમાંથી દૂર જતા રહેવા આદેશ અપાયો છે. આ ઉપરાંત, જે લોકો દરિયામાં બોટ અથવા સેઇલિંગ જહાજોમાં છે, તેમને પણ તાકીદે બોટ છોડીને જમીન પર આવી જવા અને જ્યાં સુધી સત્તાવાર રીતે અન્ય સૂચના ન મળે ત્યાં સુધી પાણીમાં ન જવા જણાવવામાં આવ્યું છે. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં લોકોને ઘર ખાલી કરીને અન્યત્ર સ્થળાંતર કરવાની કોઈ જરૂર ન હોવાનું પણ સ્પષ્ટ કરાયું છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
