<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

છત્તીસગઢ અને ઓડિશા સરહદે ભૂકંપના જોરદાર આંચકાથી અફરાતફડી

ગારિયાબંદથી કાલાહાંડી સુધી અનુભવાયો 4.1ની તીવ્રતાનો આંચકો : રાત્રિના સમયે ધરા ધ્રૂજતા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા, વાસણો અને ફર્નિચર ખખડતા ભયનો માહોલ

રાયપુર:  છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સાંજના સમયે અચાનક ધરતી ધ્રૂજી ઉઠતા રવિવારની શાંતિ ભયમાં ફેરવાઈ ગઈ હતી. ખાસ કરીને ઓડિશાની સરહદે આવેલા દેવભોગ અને સુપેબેડા વિસ્તારોમાં ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે ઘરોમાં રાખેલા વાસણો અને સામાન જોરશોરથી ખખડવા લાગ્યો હતો. જમીન ધ્રૂજતી અનુભવાતા જ લોકો "ભૂકંપ, ભૂકંપ"ની બૂમો પાડીને પોતાના બહુમાળી મકાનો અને ઘરોમાંથી ખુલ્લા મેદાન તરફ દોડી આવ્યા હતા. ગણતરીની સેકન્ડોમાં જ સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ઓડિશાના કાલાહાંડી જિલ્લામાં જમીનથી અંદરના સ્તરે હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. સાંજે આશરે 7:30 વાગ્યાના સુમારે જ્યારે લોકો પોતાના દૈનિક કામકાજ કે ભોજનની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યારે આવેલા આ આંચકાએ સૌને ચોંકાવી દીધા હતા. ભૂકંપ બાદ લોકોમાં એટલો ડર હતો કે તેઓ લાંબા સમય સુધી ઘરની અંદર જવાની હિંમત કરી શક્યા નહોતા અને રસ્તા પર ઊભા રહીને દૂર રહેતા પોતાના સ્નેહીજનોના ખબર-અંતર પૂછવા માટે ફોન કરતા નજરે પડ્યા હતા.

વહીવટીતંત્ર અત્યારે આ મામલે સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે. જોકે, રાહતની વાત એ છે કે આ કુદરતી આફતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા માલ-મિલકતના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા અને જનતાને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. છત્તીસગઢ અને ઓડિશાના સરહદી ગામોમાં આ પ્રકારના આંચકા આવવા એ ભૂસ્તરીય હિલચાલનો સંકેત હોવાથી નિષ્ણાતો પણ આ ઘટના પર નજર રાખી રહ્યા છે.

(10:11 PM IST)