<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

રાજકીય નિવેદનોને કારણે પ્રકાશ રાજે ગુમાવી અનેક ફિલ્‍મો!

પત્‍ની પોની વર્માએ કર્યો મોટો ખુલાસો : ગૌરી લંકેશની હત્‍યા બાદ પ્રકાશ રાજ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વધુ ખુલ્‍લેઆમ બોલવા લાગ્‍યા હતા

મુંબઇ તા.૨: સાઉથ સિનેમાઅને બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ પોતાના અભિનયની સાથે રાજકીય નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે તેમની પત્‍ની અને જાણીતી કોરિયોગ્રાફર પોની વર્મા એ એક ઇન્‍ટરવ્‍યૂમાં ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના જણાવ્‍યા પ્રમાણે, પ્રકાશ રાજને પોતાના રાજકીય વિચારો અને જાહેર નિવેદનોને કારણે અનેક ફિલ્‍મો તથા જાહેરાતોના પ્રોજેક્‍ટ ગુમાવવા પડ્‍યા છે.

પોની વર્માએ Prema The Journalist સાથેની વાતચીતમાં જણાવ્‍યું કે પ્રકાશ રાજ હંમેશાં પોતાના વિચારો સ્‍પષ્ટ રીતે રજૂ કરે છે. જોકે આ સ્‍વભાવને કારણે તેમની ફિલ્‍મી કારકિર્દી પર અસર પડી હોવાનો પોનીએ દાવો કર્યો છે. તેમના જણાવ્‍યા પ્રમાણે, કેટલીક ફિલ્‍મોમાં પ્રકાશ રાજને કામ આપવાનું નક્કી થયા બાદ પણ પ્રોજેક્‍ટમાંથી દૂર કરવામાં આવ્‍યા હતા. એટલું જ નહીં, કેટલાક નિર્માતાઓએ એડવાન્‍સ રકમ આપ્‍યા બાદ પણ તેમની સાથે કામ કરવાનું બંધ કર્યું હતું. જાહેરાતોની કેટલીક ઓફર પણ તેમના હાથમાંથી નીકળી ગઈ હતી.

પોની વર્માએ વર્ષ ૨૦૧૭માં પત્રકાર ગૌરી લંકેશની હત્‍યાનો પણ ઉલ્‍લેખ કર્યો હતો. ગૌરી લંકેશ પ્રકાશ રાજનાં નજીકનાં મિત્ર હતાં. તેમની હત્‍યાથી અભિનેતાને ઊંડો આઘાત લાગ્‍યો હતો.પોનીના જણાવ્‍યા પ્રમાણે, આ ઘટના બાદ પ્રકાશ રાજ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વધુ ખુલ્‍લેઆમ પોતાના વિચારો વ્‍યક્‍ત કરવા લાગ્‍યા હતા. તેઓ વિવિધ જાહેર કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનોમાં પણ ભાગ લેતા રહ્યા છે.

પોનીએ જણાવ્‍યું કે પ્રકાશ રાજના રાજકીય નિવેદનોને કારણે શરૂઆતમાં તેઓ ખૂબ ચિંતિત રહેતાં હતાં. ખાસ કરીને જાહેર કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનો દરમિયાન પતિની સુરક્ષાને લઈને તેમને ચિંતા થતી હતી

જોકે સમય જતાં તેમણે પ્રકાશ રાજના વિચારો અને નિર્ણયોને સમજવાનું શરૂ કર્યું હતું. પોનીએ કહ્યું કે બંને વચ્‍ચે ધાર્મિક માન્‍યતાઓને લઈને પણ તફાવત છે. તેઓ ધાર્મિક આસ્‍થામાં વિશ્વાસ રાખે છે, જ્‍યારે પ્રકાશ રાજ નાસ્‍તિક છે.

પોની વર્માના જણાવ્‍યા પ્રમાણે, અલગ માન્‍યતાઓ હોવા છતાં બંને એકબીજાના વિચારોનું સન્‍માન કરે છે. તેમના પરિવારમાં દિવાળી અને ક્રિસમસ જેવા તહેવારો પણ ઉજવવામાં આવે છે. આમ, પોની વર્માના નિવેદનથી પ્રકાશ રાજની ફિલ્‍મી કારકિર્દી અને રાજકીય વિચારો ફરી ચર્ચામાં આવ્‍યા છે. જોકે રાજકીય નિવેદનોને કારણે ચોક્કસ કેટલા ફિલ્‍મ પ્રોજેક્‍ટ રદ થયા હતા તેની સ્‍વતંત્ર પુષ્ટિ થઈ નથી.

(9:56 AM IST)