તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
પ્રસાર ભારતીની કમાન હવે પ્રસૂન જોશીના હાથમાં: કેન્દ્ર સરકારે જાણીતા ગીતકારને સોંપી મોટી જવાબદારી, શું હવે બદલાશે દેશના બ્રોડકાસ્ટિંગની તસવીર?
નવનીત કુમાર સહગલના રાજીનામા બાદ નિમણૂક; એડવર્ટાઈઝિંગ અને સિનેમા જગતનો બહોળો અનુભવ ધરાવતા પ્રસૂન જોશી દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોમાં ફૂંકશે નવો પ્રાણ

નવી દિલ્હી : માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જાણીતા ગીતકાર અને જાહેરાત જગતના દિગ્ગજ પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે. નવનીત કુમાર સહગલના રાજીનામા બાદ ખાલી પડેલી આ મહત્વની જગ્યા પર પ્રસૂન જોશીની વરણી કરવામાં આવી છે. પ્રસાર ભારતી એ દેશની સ્વાયત્ત જાહેર પ્રસારણ સંસ્થા છે, જે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની પેરન્ટ બોડી તરીકે કાર્ય કરે છે.
સર્જનાત્મકતા અને અનુભવનો સંગમ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિમણૂક પર અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પ્રસૂન જોશી એક અનોખી સર્જનાત્મક શક્તિ ધરાવે છે, જેમણે સાહિત્ય, કલા અને સિનેમાના ક્ષેત્રમાં વિશ્વભરમાં નામના મેળવી છે. પ્રસૂન જોશી વર્ષ ૨૦૧૭ થી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના ચેરમેન તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ મેકકેન વર્લ્ડ ગ્રુપ ઈન્ડિયાના સીઈઓ જેવી પ્રતિષ્ઠિત જવાબદારીઓ પણ સંભાળી ચૂક્યા છે.
યાદગાર ગીતો અને સાંસ્કૃતિક વિઝન
એક ગીતકાર તરીકે પ્રસૂન જોશીએ ‘તારે ઝમીન પર’, ‘રંગ દે બસંતી’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં યાદગાર ગીતો આપ્યા છે. તેમની કલમમાં ભારતની માટીની સુગંધ હોવાનું અને તેમનું વિઝન આપણી સંસ્કૃતિના સાશ્વત સારને દર્શાવતું હોવાનું કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું. ૨૦૧૬ થી તેઓ ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સના ટ્રસ્ટી તરીકે પણ સંકળાયેલા છે.
પ્રસાર ભારતીની નવી દિશા
પ્રસાર ભારતીએ તાજેતરમાં જ ‘વેવ્સ OTT’ (Waves OTT) પ્લેટફોર્મ લોન્ચ કરીને ડિજિટલ ક્ષેત્રે કદમ માંડ્યા છે, જે દર્શકોને ફ્રી-ટુ-એર કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. પ્રસૂન જોશીના નેતૃત્વ હેઠળ પ્રસાર ભારતીને નવી ઉર્જા, ઊંડો ઉદ્દેશ્ય અને તાજો સર્જનાત્મક દ્રષ્ટિકોણ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી દેશના ખૂણે ખૂણે માહિતી અને મનોરંજન પહોંચાડવાની પ્રક્રિયામાં નવો વળાંક આવી શકે છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
