News of Wednesday, 15th July 2026
ચૂંટણી પહેલાં પ્રશાંત કિશોર ક્લીન બોલ્ડ: બાંકીપુર પેટાચૂંટણી પૂર્વે જ જન સૂરજ પાર્ટીના દિગ્ગજો કેસરિયો ધારણ કરી ભાજપમાં ભળ્યા!
પ્રશાંત કિશોરના 'અહંકાર' અને 'વિઝન વગરની નીતિઓ'થી કંટાળીને બિટ્ટુ સિંહ, કે.સી. સિંહા અને ગોપાલ સિંહ સહિત કાર્યકરોએ પટણામાં ભાજપનો દામન થામ્યો

પટણા: બિહારના રાજકારણમાં આગામી ૩૦ જુલાઈના રોજ યોજાનારી હાઈપ્રોફાઈલ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલાં જ એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરની 'જન સૂરજ પાર્ટી' (JSP) ને અત્યાર સુધીનો સૌથી મોટો સળીયો લાગ્યો છે. પટણા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં જન સૂરજના અનેક કદાવર નેતાઓ, પૂર્વ ઉમેદવારો અને સેંકડો સક્રિય કાર્યકરો સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થઈ ગયા છે. બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ સંજય સરાવગીએ તમામ નવા સભ્યોને કેસરી ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા, જેણે મતદાન પૂર્વે જ પ્રશાંત કિશોરની ઊંઘ હરામ કરી દીધી છે.
ભાજપમાં જોડાનારા દિગ્ગજોમાં દિઘાના પૂર્વ ઉમેદવાર બિટ્ટુ સિંહ, મેયર પદના ઉમેદવાર વિનીતા બિટ્ટુ, કુમ્હરારના ઉમેદવાર કે.સી. સિંહા અને માનેરના અગ્રણી નેતા ગોપાલ સિંહ જેવા મજબૂત ચહેરાઓ સામેલ છે. ભાજપનું સભ્યપદ લીધા બાદ બિટ્ટુ સિંહે ભાવુક થઈને જાહેરાત કરી હતી કે, "હું હવે ક્યારેય ભાજપ નહીં છોડું, હું અહીં જ જીવીશ અને અહીં જ મરીશ." બીજી તરફ, પ્રશાંત કિશોર પર આકરા પ્રહારો કરતા ગોપાલ સિંહે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે, જન સૂરજમાં કોઈ વિઝન નથી અને કોઈ અત્યંત અહંકારી વ્યક્તિ ક્યારેય લાંબો સમય સંગઠન ચલાવી શકતો નથી. આ ભંગાણના કારણે પેટાચૂંટણીના જંગમાં જન સૂરજની કેડ તૂટી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
આ ભારે ઉથલપાથલ એવા સમયે થઈ છે જ્યારે બાંકીપુર બેઠક પર ભાજપના ચાર વખતના ધારાસભ્ય નીતિન નવીન રાજ્યસભામાં જતા આ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર ભાજપના ગઢને તોડવા માટે પ્રશાંત કિશોરે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને તેમના ઉમેદવાર ભાજપના નીરજ કુમાર સિંહા સામે ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ, પોતાના જ ઘરના મુખ્ય પાયારૂપ નેતાઓ પક્ષ છોડીને જતા રહેતા પ્રશાંત કિશોરનો કિલ્લો ધ્વસ્ત થવાની અણી પર આવી ગયો છે. બિહાર ભાજપે આ ઘટનાક્રમને પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓમાં લોકોના અતૂટ વિશ્વાસની જીત ગણાવી છે, જ્યારે રાજકીય વિશ્લેષકો તેને પ્રશાંત કિશોરની પ્રારંભિક રાજકીય ઇનિંગ્સ માટે બહુ મોટો સેટબેક માની રહ્યા છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
