તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
પ્રશાંત કિશોર પાસે કરોડોની સંપત્તિ, ફ્રાન્સથી ડિગ્રી, પત્ની પણ કરોડપતિ
તેમની કુલ ૨૩ કરોડથી વધુ અને પત્નીની ૯૯ કરોડથી વધુ ચલ સંપત્તિ છે. બંને પાસે ૭ સ્થળોએ મકાન છે, પરંતુ અંગત કાર નથી : જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બિહારની બાંકીપુર બેઠક પર પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું

બાંકીપુર તા.૧૪: જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે આજે (૧૩ જુલાઈએ) બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. પોતાના જીવનની પ્રથમ ચૂંટણી લડી રહેલા પ્રશાંત કિશોરે દાખલ કરેલા ચૂંટણી એફિડેવિટમાં તેમની અને તેમની પત્ની જ્હાન્વી દાસની કરોડો રૂપિયાની સંપત્તિનો ખુલાસો થયો છે. સોના-ચાંદીના દાગીનાથી લઈને મકાન અને જમીન સુધી, બંને પાસે અબજોની પ્રોપર્ટી છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે, પ્રશાંત કિશોર કે તેમની પત્ની પાસે પોતાની કોઈ અંગત કાર નથી.
રોકડઃ પ્રશાંત કિશોર પાસે Rs ૬૫,૫૭૦ અને પત્ની પાસે Rs ૧,૯૫,૨૦૦ રોકડા છે.
ફિક્સ ડિપોઝિટઃ રૂપિયા ૭ કરોડ ૩૬ લાખ ૨૪,૨૦૨ની એફડી છે.
ચલ સંપત્તિઃ પ્રશાંત કિશોર પાસે રૂપિયા ૨૨ કરોડ ૧૯ લાખ ૭૪,૯૭૬ અને પત્ની પાસે રૂપિયા ૯૯ કરોડ ૫૧ લાખ ૬૭,૨૪૯ ની ચલ સંપત્તિ છે.
અચલ સંપત્તિઃ પ્રશાંત કિશોર પાસે રૂપિયા ૨૩ કરોડ ૭૦ લાખ ૮૦,૨૫૬ અને પત્ની પાસે રૂપિયા ૧ કરોડ ૧૯,૨૭૦ ની અચલ સંપત્તિ છે. આ ઉપરાંત અંદાજે રૂપિયા ૭૩ કરોડ ૮૭ લાખની જમીન-પ્રોપર્ટી પ્રશાંત કિશોરના નામે અને રૂપિયા ૧૨ કરોડ ૪૨ લાખની પ્રોપર્ટી તેમની પત્નીના નામે છે. બંને પાસે કુલ ૭ અલગ-અલગ જગ્યાએ બિલ્ડિંગ અથવા મકાન છે.
દાગીના : પ્રશાંત કિશોર પાસે રૂપિયા ૧ લાખ ૩૫,૦૦૦ની સોનાની વીંટી છે, જ્યારે પત્ની પાસે રૂપિયા ૬૪ લાખ ૧૨,૫૦૦ના સોનાના દાગીના અને રૂપિયા ૪૬,૦૦૦ની ચાંદી છે.
વાર્ષિક આવક (વર્ષ ૨૦૨૪-૨૫): પ્રશાંત કિશોરની આવક રૂપિયા ૫૮ લાખ ૪૫,૪૩૦ અને પત્નીની આવક રૂપિયા ૪૦ લાખ ૨૩,૮૦૦ છે. તેમની આવકનો મુખ્યસ્ત્રોત બિઝનેસ, કન્સલ્ટન્સી, વ્યાજ અને ભાડું છે.
દેવું: પ્રશાંત કિશોર પર રૂપિયા ૫ કરોડ ૭૭ લાખ ૫૩,૭૬૫નું દેવું છે. તેમણે વર્ષ ૨૦૨૪-૨૫ માં જનસુરાજ પાર્ટીને રૂપિયા ૧૦ કરોડનું દાન પણ આપ્યું છે.
પ્રશાંત કિશોરે ૧૯૯૧ માં ૧૦મું અને ૧૯૯૩માં પટનાની સાયન્સ કોલેજમાંથી ૧૨મું પાસ કર્યું હતું. ત્યારબાદ ૧૯૯૬-૧૯૯૯ દરમિયાન લખનૌ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેમણે વર્ષ ૨૦૧૦ માં ફ્રાન્સની યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવી હતી. એફિડેવિટ મુજબ પ્રશાંત કિશોર પર ૮ કેસ નોંધાયેલા છે, પરંતુ કોઈપણ મામલામાં તેમને હજુ સુધી સજા થઈ નથી.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
