તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
પ્રયાગરાજ જંકશન પર મોત સાથે મિલન ટળ્યું: ચાલતી પ્રયાગરાજ એક્સપ્રેસ નીચે ફસાયેલી મહિલા માટે RPSFના જવાનો બન્યા દેવદૂત; હૃદયધડકાવતી રેસ્ક્યૂ વિડીયો વાયરલ!
'ઓપરેશન જીવન રક્ષા' હેઠળ જવાનોએ બતાવી અદ્ભુત તત્પરતા; ઈમરજન્સી ચેઈન ખેંચીને પાંચ જ મિનિટમાં ટ્રેન નીચેથી મહિલાને સુરક્ષિત બહાર કાઢી

પ્રયાગરાજ, તા.29: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જંકશન પર એક રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે કાળનો કોળિયો બનવા જઈ રહેલી એક મહિલાનો જીવ રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF)ના જવાનોએ પોતાની જીવસટોસટની ઝડપથી બચાવી લીધો હતો. પ્લેટફોર્મ નંબર ૧ પર પ્રયાગરાજ એક્સપ્રેસ ઉપડી રહી હતી ત્યારે આ સંભવિત જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી (CCTV) ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો RPSF જવાનોની બહાદુરીના વખાણ કરી રહ્યા છે.
ચાલતી ટ્રેનમાંથી ઉતરતા સંતુલન ખોવાયું
મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ જંકશન પરથી જ્યારે પ્રયાગરાજ એક્સપ્રેસ ધીમે-ધીમે સ્ટેશન છોડી રહી હતી, ત્યારે એક મહિલા મુસાફરે ચાલતી ટ્રેનમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કમનસીબે મહિલાએ પોતાનું શારીરિક સંતુલન ગુમાવી દીધું અને તે સીધી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જોખમી જગ્યા પર પટકાઈને અંદર ફસાઈ ગઈ હતી. મહિલાને ટ્રેનની નીચે સરકતી જોઈને પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી.
RPSFના જવાનો બન્યા સંકટમોચન: ૫ મિનિટમાં ખેલ ખતમ
ઘટના સમયે પ્લેટફોર્મ પર તૈનાત RPSFની બીજી બટાલિયનના આસિસ્ટંત સબ-ઇન્સ્પેક્ટર (ASI) મહેશ કુમાર હરિતવાલ તેમજ કોન્સ્ટેબલ પ્રવેશ કુમાર અને બસંતે સેકન્ડના છઠ્ઠા ભાગમાં સ્થિતિની ગંભીરતા ભાંપી લીધી હતી. જવાનોએ સહેજ પણ ખચકાયા વિના તરત જ દોડીને ઈમરજન્સી ચેઈન ખેંચી ટ્રેનને રોકી દીધી હતી. ટ્રેન થોભતાની સાથે જ જવાનોએ ટ્રેનની નીચે ફસાયેલી મહિલા પાસે પહોંચીને તેને સાવચેતીપૂર્વક બહાર ખેંચી લીધી હતી. આ સમગ્ર બચાવ કામગીરી માત્ર પાંચ મિનિટમાં પૂર્ણ કરી લેવાઈ હતી.
CCTVમાં કેદ થયા રોમાંચક દ્રશ્યો
આ મામલાના વાયરલ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે મુસાફરનો જીવ જોખમમાં જોતાં જ RPSFના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર સુઝબુઝ બતાવી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશન RPSFના 'ઓપરેશન જીવન રક્ષા' અભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. મોતના મોંમાંથી સુરક્ષિત બહાર આવ્યા બાદ મહિલા મુસાફરે ભાવુક થઈને જવાનોની હિંમત અને ત્વરિત કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો. રેલવે સત્તાવાળાએ ફરી એકવાર મુસાફરોને ચાલતી ટ્રેને ચઢવા કે ઉતરવાનું સાહસ ન કરવા અપીલ કરી છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
