<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ખાનગી હોસ્‍પિટલ્‍સની જંગી નફાખોરી મનમાની પર લગામ કસવા તૈયારી

દર્દીઓને જંગી રકમના બિલ પકડાવી દેવાની સંખ્‍યાબંધ ફરિયાદોને પગલે નિર્ણય : કેટલીક હોસ્‍પિટલો મેડિકલ સાધનોની મૂળ કિંમત કરતાં ૧૦થી ૩૦ ગણી વધુ રકમ વસૂલે છેઃ વિવિધ તબીબી ઉપકરણોના નફા પર ટોચમર્યાદા મુકવા વિચાર

નવી દિલ્‍હી તા.૨૩: દર્દીઓને બેફામ લૂંટતી ખાનગી હોસ્‍પિટલ્‍સની નફાખોરી પર લગામ કસવા સરકારે કમર કસી છે. ખાનગી હોસ્‍પિટલ્‍સમાં થતાં  સારવારના તોતિગ ખર્ચ પર નિયંત્રણ મુકી દર્દીઓને રાહત આપવા માટે સરકાર વિવિધ તબીબી ઉપકરણોના નફા પર ટોચમર્યાદા મુકવા વિચારી રહી છે.

આ અંગે મળેલી માહિતી અનુસાર, વિવિધ તબીબી ઉપકરણો પર હોસ્‍પિટલ્‍સ કેટલો નફો વસૂલી શકશે તે અંગેની દરખાસ્‍તની આરોગ્‍ય મંત્રાલય હાલ સમીક્ષા કરી રહ્યું છે. ખાનગી હોસ્‍પિટલ્‍સ દ્વારા દર્દીઓને જંગી રકમના બિલ પકડાવી દેવાની સંખ્‍યાબંધ ફરિયાદોને પગલે સરકારે આ દિશામાં પગલાં લેવાની તૈયારી કરી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સરકાર એક એવું માળખું તૈયાર કરી રહી છે, જે અંતર્ગત હોસ્‍પિટલો મેડિકલ સાધનોની પડતર કિમત અથવા લેન્‍ડિંગ પ્રાઇસ પર નિર્ધારિત મર્યાદાથી વધુ બિલ નહીં વસૂલી શકે.

દર્દીઓ પરનો આર્થિક બોજ ઓછો કરવા માટે ભાવની આ મર્યાદા કેવી રીતે લાગુ કરી શકાય તે અંગે સરકાર વીમા કંપનીઓ અને મેડિકલ ડિવાઇસ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહી છે. આ પ્રસ્‍તાવિત મર્યાદા સિરીન્‍જ, કેન્‍યુલા અને ગ્‍લવ્‍સ જેવી રોજિદી વસ્‍તુઓથી લઈને પેસમેકર અને હાર્ટ વાલ્‍વ જેવા મોંઘા સાધનો પર પણ લાગુ થઈ શકે છે.

વિવિધ તપાસોમાં બહાર આવેલી વિગતો અનુસાર, કેટલીક હોસ્‍પિટલો મેડિકલ સાધનોની મૂળ કિંમત કરતાં ૧૦થી ૩૦ ગણી વધુ રકમ વસૂલે છે. અહેવાલમાં કેટલાક ઉદાહરણો આપતા જણાવવામાં આવ્‍યું છે કે, કેટલીક ખાનગી હોસ્‍પિટલો માત્ર રૂા.૩માં આવતી સિરીન્‍જના રૂ.૩૦ અથવા રૂ.૬માં મળતા આઈવી કેન્‍યુલાના રૂ.૧૨૦ વસૂલે છે.

મોંઘા તબીબી સાધનોમાં પણ આવી જ લૂંટ ચલાવાય છે. રૂ.૨૫,૦૦૦ની કિમતના પેસમેકરનું બિલ રૂા.૨ લાખ સુધીનું બનાવવામાં આવે છે. આ જ પ્રમાણે ઈમ્‍પોર્ટેડ હાર્ટ વાલ્‍વની વાસ્‍તવિક કિમત રૂ.૪ લાખ જેટલી હોય છે, પરંતુ તેના માટે દર્દીઓ પાસેથી રૂ.૨૬-૩૦ લાખ જેટલી જંગી રકમ વસૂલવામાં આવતી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ખાનગી હોસ્‍પિટલોના બિલિગ પર ટોચમર્યાદા લાગુ કરવાનો હેતુ હેલ્‍થકેર ક્ષેત્રમાં પારદર્શિતા વધારવાનો છે, જેથી દર્દીઓના ખિસ્‍સા પરનો બોજ હળવો કરી શકાય અને વીમા પ્રીમિયમમાં થતા વધારાને પણ અટકાવી શકાય.

(10:31 AM IST)