<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી: ઓનલાઈન પરીક્ષામાં ૬૦% ના બદલે ૭૫% ગુણ મેળવનારને જ મળશે લાઇસન્સ

માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના સુધારાનો ડ્રાફ્ટ જારી: નામ-સરનામું બદલવાની ફી માફ કરવા અને ૧૫ દિવસમાં નિકાલ કરવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી:  વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ  મેળવવાની પ્રક્રિયા હવે વધુ કડક અને શિસ્તબદ્ધ બનવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ માટે લઘુત્તમ પાસિંગ માર્ક્સની મર્યાદા ૬૦ ટકાથી વધારીને ૭૫ ટકા કરવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મંત્રાલયના આ નિર્ણયથી માર્ગ સુરક્ષા વધુ મજબૂત થશે અને માત્ર યોગ્ય જ્ઞાન ધરાવતા વાહનચાલકો જ રોડ પર વાહન ચલાવી શકશે.

મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત 'સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ' ના સુધારા ડ્રાફ્ટ અનુસાર, આ ઓનલાઈન સેફ ડ્રાઇવિંગ કોર્સ આશરે ૩૦ મિનિટનો રહેશે. તે ઉપરાંત ઓનલાઈન આધાર-ચકાસણી (Aadhaar Verified) સેવાઓ હેઠળ પસંદગીની ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓ માટેની ફી માફ કરવાનો પણ વિશેષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ ડ્રાફ્ટ નિયમો હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતોમાં કોઈ ફેરફાર કરવા માટેની અરજીઓનો નિર્ણય મહત્તમ ૧૫ દિવસની અંદર કરવાનો રહેશે. જો કોઈ અરજી અસ્વીકાર કરવામાં આવે તો વહીવટી તંત્રે તેના માટેનું સ્પષ્ટ કારણ દર્શાવવું પડશે. ઉપરાંત, લાઇસન્સ પર નામ અને સરનામું બદલવા માટે લેવામાં આવતી ફી પણ નાબૂદ કરવાનો પ્રસ્તાવ છે.

આ સુધારા ડ્રાફ્ટ હેઠળ, અરજદારની ઓળખ, ઉંમર અને રહેઠાણના પુરાવા તરીકે આધાર, પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ , ઈ-રેશન કાર્ડ અને જન્મનું પ્રમાણપત્ર જેવા અધિકૃત દસ્તાવેજોને માન્ય રાખવામાં આવશે.

આ ઉપરાંત, દેશમાં હવે પછી જારી થનારા દરેક નવા અથવા રિન્યુ કરવામાં આવતા ડ્રાઇવિંગ લાઇસન્સ 'ફોર્મ ૭' માં લેમિનેટેડ અથવા પીવીસી સ્માર્ટ કાર્ડના સ્વરૂપમાં જ આપવાનો પ્રસ્તાવ મુકાયો છે. મંત્રાલય દ્વારા આ ડ્રાફ્ટ નિયમો અંગે આગામી ૩૦ દિવસની અંદર તમામ હિસ્સેદારો અને જનતા પાસેથી વાંધા તેમજ સૂચનો મંગાવવામાં આવ્યા છે.

(8:18 PM IST)