તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
મેડિકલ સ્ટોર્સ પર સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવાની તૈયારી: નિયમનકારી દેખરેખ મજબૂત કરવા આરોગ્ય મંત્રાલયનો મહત્વનો પ્રસ્તાવ
પ્રિસ્ક્રિપ્શન વગર ડોઝિંગ-એન્ટીબાયોટિક્સના વેચાણ પર વાગશે બ્રેક: DTAB ની લીલી ઝંડી બાદ મંત્રાલયે જનતા અને હિસ્સેદારો પાસેથી માગ્યા સૂચનો

નવી દિલ્હી: દેશભરમાં દવાઓના વેચાણ પર દેખરેખ વધુ મજબૂત કરવા અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે. મંત્રાલયે 'ડ્રગ્સ રૂલ્સ, 1945' માં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ તમામ મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસીઓ પર સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવી શકે છે.
મંજૂર થયેલા પ્રસ્તાવિત સુધારાનો મુખ્ય હેતુ માન્ય ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના શેડ્યૂલ H, H1 અને X શ્રેણી હેઠળ આવતી દવાઓ, ખાસ કરીને એન્ટીબાયોટિક્સ અને નશાકારક/નિયંત્રિત દ્રવ્યોના અનધિકૃત વેચાણ અને અનિયંત્રિત ઍક્સેસને રોકવાનો છે.
આ સુધારા અંગે મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ દરખાસ્ત પર પહેલાં ડ્રગ્સ એડવાઇઝરી કમિટી દ્વારા ગહન વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને 'ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ' (DTAB) સમક્ષ રજૂ કરવામાં આવી હતી. DTAB ના સભ્યોએ તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ આ સુધારાને મંજૂરી આપવાની ભલામણ કરી છે.
ફાર્મસીઓમાં સીસીટીવી કેમેરાની ફરજિયાત હાજરીથી દવા પુરવઠા શૃંખલા (સપ્લાય ચેઈન) માં પારદર્શિતા વધશે અને સ્ટોર સંચાલકોની જવાબદારી નક્કી થઈ શકશે. આ પગલું જાહેર આરોગ્યની સુરક્ષા અને દેશમાં દવાઓના ગેરકાયદે કે બિનઅધિકૃત વેચાણ પર અંકુશ મેળવવાની દિશામાં એક મહત્ત્વનું રક્ષણાત્મક કવચ સાબિત થશે.
હાલમાં આરોગ્ય મંત્રાલયે આ ડ્રાફ્ટ સૂચના અંગે તમામ સંબંધિત હિસ્સેદારો, ફાર્મા ક્ષેત્રના નિષ્ણાતો અને સામાન્ય જનતા પાસેથી વાંધા તેમજ સૂચનો આમંત્રિત કર્યા છે, જેની આખરી સમીક્ષા બાદ આ નિયમ સમગ્ર દેશમાં અમલી બનાવવામાં આવશે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
