<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અંતરિક્ષમાં પરમાણુ યુદ્ધની તૈયારી? રશિયાના 'કોસ્મોસ ૨૫૫૩' સેટેલાઇટે અમેરિકા સહિત આખી દુનિયાની ઊંઘ ઉડાવી, વ્હાઇટ હાઉસમાં ભારે ફફડાટ

રશિયાના રહસ્યમય સ્પેસ ન્યુક્લિયર વેપનનો પર્દાફાશ કરશે અમેરિકા; ખતરનાક સિગ્નલો પકડવા MIT ના વૈજ્ઞાનિકોએ ખાસ સુપર સેટેલાઇટ કર્યો તૈયાર, ગમે ત્યારે થશે મોટો ધડાકો

નવી દિલ્હી, તા.૧૦: પૃથ્વી પર ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે હવે આગામી મહાયુદ્ધ અંતરિક્ષ (Space) માં ખેલાય તેવી ભયાનક આશંકાઓ સેવાઈ રહી છે. રશિયાએ અંતરિક્ષમાં એક એવો રહસ્યમય ઉપગ્રહ તરતો મૂક્યો છે, જેણે સુપર પાવર અમેરિકા અને સમગ્ર પશ્ચિમી દેશોની સિક્યોરિટી એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. વૈશ્વિક સંરક્ષણ નિષ્ણાતોનો દાવો છે કે રશિયાનો આ સેટેલાઇટ, જેનું નામ 'કોસ્મોસ ૨૫૫૩' (Cosmos 2553) છે, તે સામાન્ય ઉપગ્રહ નથી પરંતુ અવકાશમાં તૈનાત કરાયેલું રશિયાનું અત્યંત ગુપ્ત 'પરમાણુ હથિયાર' (Nuclear Weapon) હોઈ શકે છે. આ ગંભીર જોખમનો સામનો કરવા માટે અમેરિકા હવે આ સ્પેસ મિશન પાછળનું સનસનાટીભર્યું રહસ્ય દુનિયા સામે ખુલ્લું પાડવાની તૈયારી કરી રહ્યું છે.
સ્પેસ પરમાણુ હથિયાર શોધવા MIT એ શોધી કાઢી સુપર ટેકનોલોજી
અત્યાર સુધી અંતરિક્ષના અનંત અંધકારમાં છુપાયેલા કોઈ પરમાણુ હથિયાર અથવા સ્પેસ વેપનની ચોક્કસ હાજરીની ભાળ મેળવવી દુનિયાની કોઈ પણ સ્પેસ એજન્સી માટે લગભગ અશક્ય કામ હતું. પરંતુ, આ વૈશ્વિક સંકટ વચ્ચે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) ના ટોચના વૈજ્ઞાનિકોએ એક અદભુત અને ક્રાંતિકારી ટેકનોલોજીનો ખુલાસો કરીને નવો ઇતિહાસ રચ્યો છે. MIT ના વિજ્ઞાનીઓએ એક અત્યંત નાનો પરંતુ સુપર-પાવરફુલ સેટેલાઇટ વિકસાવ્યો છે, જે અંતરિક્ષમાં રશિયાના ઘાતક ઉપગ્રહની બિલકુલ નજીક જઈને તેની જાસૂસી કરશે. આ નાનો ઉપગ્રહ પરમાણુ શસ્ત્રોમાંથી નીકળતા ખાસ પ્રકારના કિરણોત્સર્ગ અને વિશિષ્ટ સિગ્નલો (Specific Signals) ને આસાનીથી ટ્રેક કરી શકશે.
જો રશિયાનો પ્લાન સફળ થયો, તો દુનિયા અંધકારમાં ડૂબી જશે!
સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો રશિયા અંતરિક્ષમાં સ્પેસ ન્યુક્લિયર વેપન સક્રિય કરવામાં સફળ રહેશે, તો તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા અમેરિકા, ભારત સહિતના તમામ દેશોના કોમ્યુનિકેશન, નેવિગેશન અને મિલિટરી સેટેલાઇટ્સને એક ઝાટકે નષ્ટ અથવા જામ કરી શકશે. આનાથી સમગ્ર વિશ્વની જીપીએસ સિસ્ટમ, ઇન્ટરનેટ અને બેન્કિંગ વ્યવસ્થા પળવારમાં ઠપ થઈ શકે છે. આ જ કારણે રશિયાના આ પગલાને સ્પેસ ટ્રીટી (અંતરિક્ષ સંધિ) નું ખુલ્લું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે અને વ્હાઇટ હાઉસ આ અંગે રશિયાને ઘેરવા માટે વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરી રહ્યું છે.
MIT ના આ આગામી જાસૂસી સ્પેસ મિશન પર અત્યારે આખા વિશ્વની નજર ટકેલી છે. રશિયાના આ પરમાણુ સેટેલાઇટના રહસ્ય પરથી પડદો ઉઠતાની સાથે જ વૈશ્વિક રાજકારણમાં એક નવો વળાંક આવશે અને અમેરિકા ટૂંક સમયમાં જ આ આખા કાવતરાના પુરાવા આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

(5:22 PM IST)