News of Friday, 18th September 2026
સેના હટાવી સીઆરપીએફને કમાન સોંપવાની તૈયારી : જમ્મુના ગાઢ જંગલોમાં કેટલું જોખમ?
ઉધમપુર-કઠુઆનાં ૨૧ સ્થળોએ ૨,૧૦૦ જવાનો તૈનાત કરવાની યોજના : કોબ્રા ટુકડીઓ પણ જોડાશે

જમ્મુ, તા. ૧૮ : ઉધમપુરના મજાલતા વિસ્તારમાં તાજેતરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ ઠાર થયા બાદ જમ્મુના જંગલોમાં આતંકી ખતરો હજુ જીવંત હોવાનું સ્પષ્ટ બન્યું છે. આ સ્થિતિ વચ્ચે ઉધમપુર અને કઠુઆનાં ૨૧ સ્થળોએ સેનાના સ્થાને સીઆરપીએફની કંપનીઓ તૈનાત કરવાની કેન્દ્રની યોજના અંગે સુરક્ષા અને સંકલનના સવાલો ઊભા થયા છે.
જમ્મુ વિભાગમાં આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થવાને બદલે પોતાનો વિસ્તાર અને કાર્યપદ્ધતિ બદલીને સુરક્ષા દળો માટે સતત પડકાર બની રહ્યો છે. ઉધમપુરના મજાલતા વિસ્તારમાં તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરની મધરાત્રે થયેલી અથડામણ તેનું તાજું ઉદાહરણ છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ ઠાર થયા હતા. મુશ્કેલ પહાડી વિસ્તાર અને ખરાબ હવામાન વચ્ચે કાર્યવાહી પૂર્ણ થયા પછી પણ સમગ્ર વિસ્તારમાં શોધખોળ અને સતત દેખરેખ ચાલુ રાખવામાં આવી હતી.
આ સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ વિભાગના ઉધમપુર અને કઠુઆ જિલ્લામાં ૨૧ સ્થળોએ સેનાના સ્થાને સીઆરપીએફની લગભગ ૨૧ કંપનીઓ એટલે કે આશરે ૨,૧૦૦ જવાનો તૈનાત કરવાની યોજના બનાવી છે. જંગલમાં યુદ્ધ લડવાની વિશેષ તાલીમ ધરાવતી સીઆરપીએફની કોબ્રા ટુકડીઓને પણ નવી વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ સેનાને નિયમિત આતંકવાદવિરોધી કામગીરીમાંથી મુક્ત કરીને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની ભૂમિકા વધુ મજબૂત કરવાનો હોવાનું જણાવાયું છે.
સીઆરપીએફ પાસે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી કાર્યવાહીના લાંબા અનુભવ સાથે કોબ્રા ટુકડીઓ પાસે જંગલ યુદ્ધનું વિશેષ પ્રશિક્ષણ પણ છે. આમ છતાં જમ્મુના જંગલોમાં ચાલતી કાર્યવાહી સામાન્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી જેવી નથી. ગાઢ જંગલો, ઊંચા પહાડો, લાંબા અંતરની અવરજવર, સરહદપારથી ઘૂસણખોરીના સંભવિત માર્ગો અને સેનાની ગુપ્તચર તથા કાર્યકારી વ્યવસ્થા સાથેના જોડાણને કારણે આ અભિયાનો અત્યંત સંવેદનશીલ બની રહે છે.
જૂનમાં રાજૌરીના ગાઢ જંગલોમાં ચાલેલું એક આતંકવાદવિરોધી અભિયાન ૧૩મા દિવસ સુધી લંબાયું હતું. તેમાં સેના, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે જોડાયાં હતાં. સપ્ટેમ્બરમાં ઉધમપુરની અથડામણે પણ ખતરો હજુ સક્રિય હોવાનું બતાવ્યું છે.
અધિકારીઓના આંકડા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ૨૦૨૪માં ૨૧૦ અને ૨૦૨૫માં ૧૮૯ ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં આવી ૧૧૮ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. એટલે કે હિંસામાં ઘટાડો થયો હોવા છતાં આતંકવાદી ખતરો સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.
વર્ષ ૨૦૨૦ પછી વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાની વધારાની જરૂરિયાતને પગલે જમ્મુના કેટલાક વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. હવે સૂચિત ફેરફાર એ જ પુનર્ગઠનને આગળ વધારતો હોવાનું જણાય છે.
આથી સમગ્ર મામલાને માત્ર ‘સેના હટશે અને સીઆરપીએફ આવશે’ એટલા પૂરતો જોવાને બદલે કમાન, ગુપ્તચર તંત્ર, તાત્કાલિક પ્રતિસાદ, ભારે શસ્ત્રોની ક્ષમતા અને સેના-સીઆરપીએફ-પોલીસ વચ્ચેના સંકલનના સંક્રમણ તરીકે જોવો જરૂરી છે. આ પરિવર્તન દરમિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષાનો ખાલીપો સર્જાશે તો છુપાયેલા આતંકવાદીઓ તેનો લાભ ઉઠાવી શકે છે.
બીજી તરફ સીઆરપીએફને પૂરતી સંખ્યા, આધુનિક તાલીમ, સમયસર ગુપ્તચર માહિતી અને જરૂર પડ્યે સેનાની તાત્કાલિક મદદ ઉપલબ્ધ રહે તો નવી વ્યવસ્થાથી સેનાને સરહદી સુરક્ષા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો હેતુ સિદ્ધ થઈ શકે છે. ઉધમપુરની તાજેતરની અથડામણનો સ્પષ્ટ સંદેશ એટલો જ છે કે જમ્મુ વિભાગમાં આતંકવાદનો ખતરો હજુ સમાપ્ત થયો નથી.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
