<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

પશ્ચિમ એશિયામાં મોટો મહાયુદ્ધનો ભય: ઈરાન સામે પૂર્ણ-સ્તરના યુદ્ધ માટે અમેરિકા પાસે મિસાઈલો જ ખૂટી પડી, વ્હાઈટ હાઉસની ચિંતા વધી!

હોર્મુઝની સામુદ્રધુનીમાં મડાગાંઠ અને અમેરિકી સૈનિકોની ખુવારી વચ્ચે ટ્રમ્પ તંત્ર બેકફૂટ પર: ઘટી રહેલા શસ્ત્રભંડાર વચ્ચે યુદ્ધ લંબાવવું મુશ્કેલ બન્યું

વોશિંગ્ટન : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે એક સનસનાટીભર્યો અહેવાલ સામે આવ્યો છે. 'ધ વોશિંગ્ટન પોસ્ટ' ના રિપોર્ટ અનુસાર, દરરોજ સામસામે થઈ રહેલા વળતા હુમલાઓ છતાં યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન સામે પૂર્ણ-સ્તરના (Full-Scale) યુદ્ધમાં ઝંપલાવી રહ્યું નથી, કારણ કે તેની પાસે લાંબા સમય સુધી લશ્કરી અભિયાન ચલાવવા માટે પૂરતી મિસાઈલો અને શસ્ત્રભંડાર જ ઉપલબ્ધ નથી!

એક વરિષ્ઠ યુએસ અધિકારીએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, એર ડિફેન્સ મિસાઈલો, લાંબા અંતરના દારૂગોળાની અછત અને પશ્ચિમ એશિયામાં સૈન્ય એસેટ્સને થયેલા નુકસાનના કારણે અમેરિકી સેનાની કામગીરી ભારે મર્યાદિત બની ગઈ છે.

સૈનિકોની ખુવારી અને લક્ષ્યોમાં નિષ્ફળતા

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઈરાની હુમલાઓએ અમેરિકાને નોંધપાત્ર ભૌતિક અને માનવ નુકસાન પહોંચાડ્યું છે. બે અઠવાડિયા દરમિયાન ઓછામાં ઓછા ૩ યુએસ સૈનિકો માર્યા ગયા છે અને ૧૦૦ થી વધુ ઘાયલ થયા છે, જ્યારે રડાર સિસ્ટમ અને વિમાનોને પણ નુકસાન પહોંચ્યું છે.

શરૂઆતમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવાના મોટા લક્ષ્ય સાથે શરૂ થયેલું આ અભિયાન હવે માત્ર તેલના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) ને ખુલ્લી રાખવા સુધી સીમિત થઈ ગયું છે. પરંતુ યુએસ સૈન્ય તે સામાન્ય ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યું છે.

ટ્રમ્પ સરકાર પર સ્થાનિક દબાણ અને મોંઘવારીનો માર

અમેરિકામાં આગામી મધ્યસત્ર ચૂંટણીઓ નજીક આવી રહી છે અને યુદ્ધના કારણે પેટ્રોલના ભાવ ફરી $૪ પ્રતિ ગેલનની સપાટી વટાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર યુદ્ધનો ઝડપથી અંત લાવવા માટે ભારે સ્થાનિક દબાણ ઊભું થઈ રહ્યું છે.

નિષ્ણાતોના મતે, સામુદ્રધુનીને લશ્કરી તાકાતથી ખોલવા માટે હજારો વધારાના સૈનિકો અને યુદ્ધ જહાજોની જરૂર પડશે, જે હાલના સંજોગોમાં અમેરિકા માટે શક્ય લાગતું નથી. આથી હવે યુદ્ધ રોકવા માટે રાજદ્વારી માર્ગ અપનાવવો જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

(6:44 PM IST)