News of Tuesday, 8th September 2026
વિદેશ જતા કાર ચોરાઈ ન જાય એટલે ક્રેન વડે ટેરેસ પર ચડાવી દીધી
વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ

પટણા,તા.૦૮: બિહારમાંથી અવારનવાર દેશી જુગાડ અને અજબગજબ કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ આ વખતે એક કારમાલિકે પોતાની કારની સુરક્ષા માટે જે રસ્તો અપનાવ્યો છે એ જોઈને સોશ્યલ મીડિયામાં કૌતુક સર્જાયું છે.
વિદેશ જઈ રહેલા બિહારના એક કારમાલિકે પોતાની કીમતી મહિન્દ્ર સ્કોર્પિયો ક્યાંક ચોરાઈ ન જાય એ માટે ક્રેન બોલાવીને એને જમીન પરથી ઊંચકીને સીધી પોતાના ઘરના ટેરેસ પર પાર્ક કરી દીધી હતી.
વાઇરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે એક ક્રેનની મદદથી સફેદ રંગની ગાડીને બહુ સાવચેતીપૂર્વક ઘરની છત પર પાર્ક કરવામાં આવી રહી છે.
મકાનમાલિકને ડર હતો કે પોતે વિદેશ જશે ત્યારે પ્રાંગણમાં પાર્ક કરેલી ગાડી કોઈ ચોરી જશે અથવા એને નુકસાન પહોંચાડશે. પેઇડ પાર્કિગ કે કોઈ સંબંધીને ગાડી સોંપવાને બદલે આ ભાઈએ ટેરેસ-પાર્કિગનો અનોખો આઇડિયા શોધી કાઢ્યો.
સોશ્યલ મીડિયા પર આ અનોખી પાર્કિગ પદ્ધતિનો વિડિયો વાઇરલ થતાં જ નેટિઝન્સની સટાસટ કમેન્ટ્સ આવવા માંડી છે. એક યુઝરે લખ્યું, ‘ચોર હવે ચાવી લઈને નહીં, હેલિકોપ્ટર લઈને ગાડી ચોરવા આવશે.' બીજા એક યુઝરે ઘરના સ્લેબ વિશે ચિતા વ્યક્ત કરતાં લખ્યું, ‘ચોરીનો ડર તો દૂર થયો, પણ હવે નીચેના રૂમમાં સૂતી વખતે માથા પર સ્કોર્પિયો ખાબકવાનો ડર રહેશે.'
પોતાની વહાલી કારને ચોરોથી બચાવવા માટે બિહારી બાબુએ અપનાવેલો આ હાઈ-લેવલ દેશી જુગાડ હાલ ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
