<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

રોજિંદી ચીજવસ્‍તુઓના ભાવ એક મહિનામાં ૨ થી ૧૦% સુધી વધ્‍યા

જીવનજરૂરી તમામ ચીજવસ્‍તુઓ-દૂધ, શાકભાજી, અનાજ-કરિયાણું, રાંધણ ગેસમાં PNG-LPG, ઓટો-ઔદ્યોગિક વપરાશ માટેનો CNG, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો કારમી મોંઘવારીમાં સપડાઈ ગયા : નિમ્‍ન-મધ્‍યમ વર્ગ મોંઘવારીમાં પીસાયોઃ સરકાર-તંત્ર સમયસર નક્કર પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં કપરી પરિસ્‍થિતિ સર્જાવાની દહેશત

નવી દિલ્‍હી તા.૨૬: અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્‍ચેના યુદ્ધમાં અત્‍યારે તો ‘સ્‍ટેટસ ક્‍વો'ની સ્‍થિતિ પ્રવર્તી રહી છે, પરંતુ યુદ્ધને કારણે દેશ-દુનિયાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. ક્રૂડ તેલના ભાવ ૧૦૦ ડોલરને પાર કરી જતા ટ્રાન્‍સપોર્ટેશન , પેકેજિગ મોંઘુ થયું છે અને સપ્‍લાય ચેઈન ખોરવાઈ જતા જીવનજરૂરી તમામ ચીજવસ્‍તુઓ-દૂધ, શાકભાજી, અનાજ-કરિયાણું, રાંધણ ગેસમાં PNG-LPG, ઓટો-ઔદ્યોગિક વપરાશ માટેનો CNG, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો કારમી મોંઘવારીમાં સપડાઈ ગયા છે. છેલ્‍લા એક જ મહિનામાં સાબુ, શેમ્‍પુ, ટૂથપેસ્‍ટ, કરિયાણું, ફ્રૂટ, શાકભાજી વગેરે જેવી રોજિદી જરૂરિયાતની ચીજવસ્‍તુઓના ભાવમાં બેથી દસ ટકા સુધીનો વધારો થયો છે. નોકરિયાત, મધ્‍યમ અને નિમ્‍ન મધ્‍યમ વર્ગની આવકમાં વધારો થયો નથી, તેની સામે દિનપ્રતિદિન ખર્ચમાં વધારો થતાં બે છેડા ભેગા કરવા કપરું બની ગયું છે. અમેરિકા-ઈરાનના યુદ્ધને ૯૦ દિવસ થવા આવ્‍યા છે અને આ યુદ્ધ ક્‍યારે સમેટાશે તે અંગે આગાહી થઈ શકે તેમ નથી ત્‍યારે આગામી દિવસોમાં પરિસ્‍થિતિ વધુ કપરી બને તેવી દહેશત વેપારીઓ વ્‍યક્‍ત કરી રહ્યા છે. તાજેતરમાં દૂધમાં બે રૂપિયા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર દિવસમાં બે વાર અને ઘ્‍ફઞ્‍ના ભાવ વધારાથી તમામ ક્ષેત્રો પર તેની વિપરીત અસર થઈ છે.

સરકારી આંકડાઓ જોઈએ તો દેશમાં મોંઘવારી ૪૨ મહિનાની ટોચે પહોંચી ગઈ છે. એપ્રિલ-૨૦૨૬માં હોલસેલ પ્રાઈસ ઈન્‍ડેક્‍સ(WPI)નો દર ૮.૩ ટકા જ્‍યારે  સપ્‍ટે-૨૦૨૪ પછી કન્‍ઝ્‍યુમર પ્રાઈસ ઈન્‍ડેક્‍સ(CPI) ૩.૪૮ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. એટલે કે, મોંઘવારી છેલ્‍લા ૨૨ મહિનાની ટોચે પહોંચી છે. હજુ પણ વૈશ્વિક કટોકટી-યુદ્ધની સ્‍થિતિ યથાવત રહી તો મોંઘવારીનો દર ૪.૪ ટકાને આંબી જવાની દહેશત વ્‍યક્‍ત થઈ રહી છે. યુદ્ધની યુદ્ધ લંબાશે તેવા ભયથી ગ્રાહકો સાવચેતી દાખવી કરકસરના ભાગ રૂપે ખરીદીથી દૂર રહેવા લાગ્‍યા છે. સામાન્‍ય રીતે માંગ અને પુરવઠાને આધારે મોંઘવારીમા વધ-ઘટ થતી હોય છે, પરંતુ આજના વૈશ્વિકરણના યુગમાં  દરેક જીવનજરૂરી ચીજવસ્‍તુઓના ભાવ એક બીજા પર આધારિત હોવાથી માત્ર રોજિદી વપરાશની જ ચીજો નહીં, કાચા માલ, ટ્રાન્‍સપોર્ટેશન વગેરેમાં ભાવ વધારો થતા સરવાળે સામાન્‍ય વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.

અલબત્ત,  બજારોમાંથી મિશ્ર અહેવાલો સાંપડી રહ્યા છે. અનાજ-કઠોળના વેપારી પટેલ કહે છે કે, બજારમાં પુરતો માલ છે, પરંતુ ઘરાકી નથી. અનાજ ભરવાની સિઝન હોવા છતાં માલ પડી રહ્યો છે. કારણ કે, નવી પેઢીમાં આખા વર્ષનું અનાજ-કઠોળ ભરવાનું ચલણ જ નથી. જરૂરિયાત મુજબની ખરીદીની માનસિકતાને કારણે રિટેઈલ માર્કેટમાં એક કિલોનો ભાવ વધારો તેમને નડતો નથી. ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે, પરંતુ ખેડૂતો પાસે ૪૦ ટકા જથ્‍થો પડી રહ્યો છે! બીજીતરફ અફઘાનિસ્‍તાન, ઈરાન, તુર્કી અને તઝાકિસ્‍તાન જેવા દેશોમાંથી આવતી હિગ સહિતના મરી, લવિગ સહિતના તેજાના અને સૂકા મેવાના ભાવમાં ફેબ્રુઆરી પછી ૩૦થી ૩૫ ટકાનો ભાવ વધારો થયો હોવાનું જણાવતા વેપારી હિરેન ગાંધી ભાવમાં હજુ ઉછાળો આવવાની શક્‍યતા વ્‍યક્‍ત કરતા કહે છે કે, જન્‍માષ્ટમી અને રક્ષાબંધન સહિતના આગામી તહેવારોના ઓર્ડર  અત્‍યારથી જ બુક કરાવવા પડે, પરંતુ  બેન્‍કિંગ સેવા ખોરવાઈ ગઈ હોવાથી પેમેન્‍ટ થઈ શકશે નહીં અને માલ આવશે નહીં. તેથી આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધશે. જોકે, ગ્રાહકો માટે તેલ બજાર રાહતના સમાચાર લાવ્‍યું છે. તેલની નિકાસ બંધ અથવા અત્‍યંત મર્યાદીત થઈ ગઈ હોવાથી ઘરઆંગણે સ્‍ટોક પુરતો હોવાથી ભાવમાં વધારો થયો નથી, ઉલટા તેલના ડબ્‍બાના ભાવમાં ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

 ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્‍દ્ર તન્ના મોંઘવારી માટે દૂધના ભાવ વધારાને જવાબદાર ઠેરવતા કહે છે કે, દૂધના ભાવ યથાવત રાખવામાં આવ્‍યા હોત તો મોંઘવારીમાં પીસાઈ રહેલા ગ્રાહકોને થોડી રાહત મળી શકી હોત. વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રો પ્રવર્તમાન પરિસ્‍થિતિને કપરી ગણાવતા કહે છે કે, સરકાર કે તંત્ર આ મુદ્દે ગંભીર હોય તેવું જણાતું નથી. નાગરિકોને મોંઘવારીના મારથી બચાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભરવા જરૂરી છે. લોકોને રાહત આપવા મેગા પ્રોજેક્‍ટ હોલ્‍ટ પર રાખીને લોકોને જીવનજરૂરી ચીજો રાહત દરે મળતી રહે, પુરવઠો ખોરવાય નહીં, કાળાબજારી થાય નહીં તેવા પગલાં ભરવા જોઈએ.

કેન્‍દ્ર સરકારે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધારાને પગલે પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં વધારો કર્યો છે, પરંતુ ગુજરાતના ગ્રાહકોને આ આર્થિક બોજામાંથી બચાવવા માટે રાજ્‍ય સરકાર પેટ્રોલ-ડીઝલ અને ગેસ પર ૧૭થી ૧૮ ટકાનો જે વેરો વસૂલે છે, તેમાં ઘટાડો કરીને ગુજરાતના નાગરિકોને રાહત આપી શકે છે.

(10:41 AM IST)