<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

યુગાન્ડામાં લોહાણા સમાજનું ગૌરવ: પવિત્ર ગીતાજીના સોગંદ લઈ ૨૭ વર્ષીય શ્યામ જય તન્નાએ સાંસદ તરીકે શપથ લીધા: સમગ્ર રઘુવંશી સમાજ અને ભારતીય સમુદાયનું ગૌરવ વધાર્યું

શ્યામ તન્નાનો પરિવાર ૧૦૦ વર્ષથી યુગાન્ડામાં વસવાટ કરે છે: પિતા સંજય તન્ના પણ યુગાન્ડાના સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે: જાતિવાદ અને રંગભેદથી ઉપર ઊઠીને, વિકાસને પ્રાધાન્ય આપવાની નેમ

યુગાન્ડાની ૧૨મી સંસદમાં (વર્ષ ૨૦૨૬ થી ૨૦૩૧) ભારતીય મૂળના અને કમ્પાલાના લોહાણા સમાજના યુવા અગ્રણી શ્રી શ્યામ જય તન્નાએ સાંસદ (મેમ્બર ઓફ પાર્લામેન્ટ) તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં શ્રી શ્યામ તન્નાએ હાથમાં પવિત્ર ગ્રંથ ગીતાજી ધારણ કરીને શપથ લીધા હતા, જેનાથી સમગ્ર લોહાણા સમાજ અને ભારતીય સમુદાયનું ગૌરવ વધ્યું છે.

 

યુગાન્ડાના અખબારો અને સત્તાવાર વિગતો અનુસાર, માત્ર ૨૭ વર્ષની વયે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર શ્રી શ્યામ જય તન્નાએ તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે પોતાના હરીફ અને પૂર્વ સાંસદ અપોલો યેરી ઓફવોનોને હરાવીને આ બેઠક જીતી છે. ચૂંટણી પરિણામો મુજબ, શ્યામ તન્નાને કુલ ૫૭૮૧ મતો (૪૩.૫૬ ટકા) મળ્યા હતા, જ્યારે તેમના મુખ્ય હરીફ અપોલોને ૪૮૨૯ મતો (૩૬.૩૯ ટકા) મળ્યા હતા.

 

શ્રી શ્યામ તન્નાનો પરિવાર છેલ્લા ૧૦૦ થી વધુ વર્ષોથી યુગાન્ડામાં વસવાટ કરે છે. જનસેવા તેમને વારસામાં મળી છે. તેમના પિતા શ્રી સંજય તન્ના પણ વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૬ સુધી યુગાન્ડાની સંસદમાં સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે. શ્યામભાઈએ પોતાની ચૂંટણી ઝુંબેશમાં જાતિવાદ અને રંગભેદથી ઉપર ઊઠીને, વિકાસને પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરી હતી.

તસવીરમાં જોઈ શકાય છે તેમ, શ્રી શ્યામ જય તન્નાએ પવિત્ર શ્રીમદ ભગવદ ગીતાજી પર હાથ રાખીને સર્વશક્તિમાન ઈશ્વરના નામે શપથ લીધા હતા. તેમણે રિપબ્લિક ઓફ યુગાન્ડાના બંધારણના રક્ષણ અને દેશની પ્રગતિ માટે પોતાની વફાદારી અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કમ્પાલાના લોહાણા સમાજે ખાસ પોસ્ટર બનાવીને તેમને સંસદના સૌથી યુવા સભ્ય તરીકે નવાજતા અભિનંદન પાઠવ્યા છે.

(10:55 PM IST)