<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

આરોપ સાબિત કરવાની પ્રાથમિક જવાબદારી આરોપ લગાવનારની છે: ચૂંટણી પંચના બચાવમાં ૧૨૪ ભૂતપૂર્વ સનદી અધિકારીઓ મેદાનમાં આવ્યા

SIR પ્રક્રિયા અને ઇલેક્ટોરલ રોલની પારદર્શિતાનો મજબૂત દાવો; પુરાવા વિનાના 'વોટ રીગિંગ'ના આરોપો સામે પૂર્વ IAS-IFS અધિકારીઓએ ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હી : દેશમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓની નીતિમત્તા પર થઈ રહેલી તીખી રાજકીય ચર્ચા વચ્ચે દેશના ૧૨૪ જેટલા ભૂતપૂર્વ વરિષ્ઠ સનદી અધિકારીઓ (IAS, IFS અને સંલગ્ન સેવાઓ) એકજૂથ થઈને ભારતીય ચૂંટણી પંચ (ECI) ના સમર્થનમાં આવ્યા છે. આ ભૂતપૂર્વ અધિકારીઓએ એક સાર્વજનિક ખુલ્લો પત્ર જાહેર કરીને ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR - વિશેષ સઘન સુધારણા) પ્રક્રિયાનો મજબૂત બચાવ કર્યો છે. આ સાથે તેમણે કોઈપણ નક્કર કે ચકાસાયેલા પુરાવા વિના ચૂંટણીમાં ગેરરીતિઓના લગાવવામાં આવતા આરોપો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

 

દેશના નાગરિકોને સંબોધીને લખાયેલા આ ખુલ્લા પત્રમાં પૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે દેશમાં 'બૂથ કેપ્ચરિંગ', મતપેટીઓમાં ખોટા મતો નાખવા અને ચૂંટણી હિંસા સામાન્ય બાબત હતી. પરંતુ આજે ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં અભૂતપૂર્વ સુધારા આવ્યા છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM), પોલિંગ એજન્ટોની હાજરી, સ્ટ્રોંગ રૂમની ચોવીસ કલાક સુરક્ષા અને VVPAT સ્લિપ દ્વારા થતી ચકાસણી જેવી મજબૂત સુરક્ષા સિસ્ટમે ભારતીય લોકશાહીને વિશ્વભરમાં સન્માન અપાવ્યું છે. ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપતાં તેમણે નોંધ્યું કે, ૧૯૫૧ પછીના સૌથી વધુ મતદાન સાથે કોઈ જ પુનઃમતદાન (re-polling) વગર શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ હતી, જે સંસ્થાકીય સુધારાનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.

 

આરોપો લગાવતી રાજકીય પ્રવૃત્તિઓ પર આકરા પ્રહારો કરતા પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, "જ્યારે તમે ચૂંટણી જીતો ત્યારે વ્યવસ્થા નિષ્પક્ષ અને પ્રામાણિક ગણાય અને જ્યારે તમે હારો ત્યારે જ ગેરરીતિ થઈ હોવાનો રાગ આલાપવામાં આવે તે વ્યાજબી ન હોઈ શકે." તેમણે યાદ અપાવ્યું હતું કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ પણ આ જ ચૂંટણી પંચના નેજા હેઠળ અનેક રાજ્યોની ચૂંટણીઓ હારી ચૂક્યો છે, અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ સત્તાધારી પક્ષ પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો, જે દર્શાવે છે કે ચૂંટણી પ્રણાલી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

 

SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાને અત્યંત આવશ્યક ગણાવતા પૂર્વ અધિકારીઓએ ઉમેર્યું હતું કે બોગસ અને અચોક્કસ મતદાર યાદીઓ જ ગેરરીતિ અને ખોટી ઓળખ ઊભી કરવાનો માર્ગ ખોલે છે. બિહારના ઉદાહરણમાં ૨૨ લાખ મૃત મતદારો, ૭ લાખ ડુપ્લિકેટ નોંધણીઓ દૂર કરાઈ હતી અને ૨૧.૫ લાખ નવા મતદારો ઉમેરાયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે નામ રદ કરવા અંગે પણ દાવો, વાંધા અરજી અને સુનાવણી જેવા અનેક સુરક્ષા કવચ ઉપલબ્ધ છે.

 

અધિકારીઓએ પત્રના અંતમાં ભારપૂર્વક કહ્યું હતું કે, "લોકશાહીમાં પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ તે આરોપોને સાબિત કરવાની જવાબદારી આરોપ લગાવનારની જ રહે છે." પુરાવા વગરના પાયાવિહોણા આરોપોથી દેશની બંધારણીય સંસ્થાઓ પરનો જાહેર વિશ્વાસ ડગમગી શકે છે. તેમણે તમામ નાગરિકોને પોતાની મતદાર નોંધણી જાતે ચકાસવા અને દેશની લોકશાહી પ્રણાલીને સમર્થન આપવા અપીલ કરી હતી.

 

(7:47 PM IST)