<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

તમિલનાડુના દીપાથૂન સ્તંભ પર ફરીથી દીપ પ્રગટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હુંકાર : સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું - "ભગવાન મુરુગનનો જય હો"

સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર અને મંદિર સત્તાધીશોની ઝાટકણી કાઢી : ચીફ સેક્રેટરી, ડીજીપી અને મદુરાઈ કલેક્ટર સહિતના અધિકારીઓને અવમાનનાની નોટિસ : મંદિરના ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરી બે પૂર્વ જજની રિસીવર તરીકે નિમણૂક : સીઆરપીએફને સુરક્ષાની જવાબદારી

નવી દિલ્હી : તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં આવેલી થિરુપરનકુંદરમ ટેકરીની ટોચ પર સ્થિત વિવાદિત દીપાથૂન સ્તંભ પર શનિવારે ફરીથી વિધિવત દીપ પ્રગટાવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુક્રવારે ભગવાન મુરુગનનું સ્મરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તમિલ ભાષામાં પોસ્ટ કરીને ત્રણ વખત ભગવાન મુરુગનનો જય હો લખીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

સર્વોચ્ચ અદાલતે શુક્રવારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે ઉચિપિલ્લૈયાર મંદિરના દીવાની જ્યોતનો ઉપયોગ કરીને શનિવારે દીપાથૂન ખાતે કાર્તિગાઈ દીપમ પ્રગટાવવામાં આવે. કોર્ટે શ્રદ્ધાળુઓને દરગાહથી ઓછામાં ઓછા 50 મીટર દૂર નિર્ધારિત સ્થળે દીપ પ્રગટાવવાની મંજૂરી આપી છે. અદાલતે નોંધ્યું હતું કે 24 નવેમ્બરના રોજ કાર્તિગાઈ દીપમ પર્વ નિમિત્તે દીપાથૂન ખાતે દીપ પ્રગટાવવાની મંજૂરી આપતા 20 નવેમ્બરના આદેશનો સત્તાધીશોએ પ્રથમદર્શી રીતે જાણીજોઈને અનાદર કર્યો છે અને તેના બદલે પરંપરાગત ઉચિપિલ્લૈયાર મંડપમ ખાતે દીપ પ્રગટાવ્યો હતો.

આ મામલે રાજ્ય સરકાર અને મંદિર સત્તાધીશો પર આકરા પ્રહાર કરતા સુપ્રીમ કોર્ટે આ કથિત અવજ્ઞાને ઘોર અને જાણીજોઈને કરાયેલો અનાદર ગણાવ્યો હતો. કોર્ટે ચેતવણી આપી હતી કે આવી પરિસ્થિતિ બંધારણીય અરાજકતા તરફ દોરી શકે છે અને હવે આવા કિસ્સાઓમાં લોખંડી હાથે કામ લેવાનો સમય આવી ગયો છે. કોર્ટે તમિલનાડુના ચીફ સેક્રેટરી, પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અને મદુરાઈ જિલ્લા કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓને અવમાનનાની નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરીને તેના વહીવટ અને આદેશના પાલન પર દેખરેખ રાખવા માટે મદ્રાસ હાઈકોર્ટના બે પૂર્વ ન્યાયાધીશોની રિસીવર તરીકે નિમણૂક કરી છે, તેમજ મંદિર અને દરગાહ બંનેને સુરક્ષા પૂરી પાડવા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ને આદેશ આપ્યો છે.

ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ વિપુલ પંચોલીની ખંડપીઠે કારોબારી અધિકારીઓના વલણ સામે સવાલ ઉઠાવતા રાજકીય દખલગીરી તરફ ઈશારો કર્યો હતો. ખંડપીઠે ટાંક્યું હતું કે સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે કારોબારી અધિકારીઓએ તેમના રાજકીય આકાઓના ઈશારે કામ કર્યું હોય તેમ જણાય છે, જે કોર્ટની ગરિમા જાળવવા અને ન્યાયતંત્રની પવિત્રતા ટકાવી રાખવા માટે બહાર લાવવું જરૂરી છે. બંધારણની કલમ 129 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરતા ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોર્ટના આદેશનું ઉલ્લંઘન થાય ત્યારે ન્યાયતંત્ર ચૂપ બેસી શકે નહીં અને કાયદાની ગરિમાને ઠેસ પહોંચે ત્યારે ન્યાય અપાવવા માટે આ કોર્ટ પૂરતી સત્તા ધરાવે છે.

(11:11 PM IST)