ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
વડાપ્રધાન મોદીનો મોટો ડિપ્લોમેટિક પ્લાનઃ ડોભાલ ચીનમાં: જયશંકર રશિયામાં: સીતારમણ અમેરિકા - કેનેડા જશે
વડાપ્રધાન મોદીએ ભારતની વિદેશ નીતિ, વેપાર, રોકાણ અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એકસાથે અનેક દેશો સાથે સંપર્ક વધાર્યો : ચીનથી રશિયા, જાપાનથી અમેરિકા અને કેનેડા સુધી ટોચના મંત્રીઓ તથા અધિકારીઓની ટીમને અલગ-અલગ મોરચે સક્રિય કરવામાં આવી

નવી દિલ્હી તા.૨૫: વડાપ્રધાન મોદીએ ભારતના હિતોને ધ્યાનમાં રાખીને એકસાથે અનેક મોરચે વૈશ્વિક કૂટનીતિ શરૂ કરી છે. ચીન, રશિયા, જાપાન, અમેરિકા, કેનેડા અને દક્ષિણ અમેરિકાના દેશો સાથે ભારતના સંબંધો, વેપાર અને રોકાણને વધુ મજબૂત બનાવવા માટે સરકારની ટીમ સક્રિય છે. આ સમગ્ર અભિયાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
હાલમાં NSA અજિત ડોભાલ ચીનની ત્રણ દિવસની મુલાકાતે ગયા છે. આ મુલાકાત આવતા મહિને દિલ્હીમાં યોજાનારી BRICS સમિટની તૈયારીના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ હાજરી આપે તેવી અપેક્ષા છે. જો શી જિનપિગ ભારતની મુલાકાતે આવે છે, તો તે લગભગ સાત વર્ષ બાદ તેમની પહેલી ભારત મુલાકાત હશે. તેમની સંભવિત મુલાકાત પહેલાં અજિત ડોભાલની ચીન મુલાકાતને સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે આ પ્રકારની રાજદ્વારી પ્રક્રિયા હાથ ધરી હતી.
અજિત ડોભાલ ચીનના વિદેશ મંત્રીના આમંત્રણ પર ગયા છે અને બંને દેશો વચ્ચે સરહદ વિવાદના ઉકેલ માટે સ્થાપિત મિકેનિઝમ હેઠળ ૨૫મા રાઉન્ડની વાતચીત યોજાશે. આ વાતચીતમાં LAC પર શાંતિ અને સ્થિરતા જાળવવા, સરહદ પર તણાવ ઘટાડવા અને LAC પર પેટ્રોલિગ વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમજ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે.
બીજી તરફ, જ્યારે NSA અજિત ડોભાલ ચીનમાં છે ત્યારે PM મોદીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને રશિયા મોકલ્યા છે. વિદેશ મંત્રીએ રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને વડાપ્રધાન મોદીનો સંદેશ તેમને પહોંચાડ્યો. આ મુલાકાત દરમિયાન તેમને આવતા મહિને ભારતમાં યોજાનારી BRICS સમિટ માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ પુતિને પણ PM મોદી માટે ખાસ સંદેશ આપ્યો હતો. પુતિને કહ્યું કે તેઓ કિર્ગિસ્તાનમાં યોજાનારી SCO બેઠકમાં વડાપ્રધાન મોદીને મળવા માટે આતુર છે. તેમણે જણાવ્યું કે ભારત અને રશિયા વેપાર સહિત લગભગ દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. ૨૦૨૫માં થોડો ઘટાડો થયા બાદ આ વર્ષે બંને દેશો વચ્ચે વેપારમાં વધારો થઈ રહ્યો છે અને પુતિને તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિગત રસને પણ મહત્વ આપ્યું.
આ દરમિયાન ભારત અને જાપાન વચ્ચે વેપાર અને રોકાણ વધારવા માટે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ જાપાનની મુલાકાતે ગયા છે. તેઓ લગભગ ૨૦૦ સભ્યોના મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળમાં સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઊર્જા, સ્ટીલ, આરોગ્યસંભાળ અને સ્ટાર્ટઅપ્સ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ છે. જાપાન સાથે વેપાર અને રોકાણ વધારવા પર ચર્ચા કેન્દ્રિત રહેશે. જાપાન ભારત માટે વિદેશી સીધા રોકાણનો પાંચમો સૌથી મોટોસ્ત્રેત છે અને જાપાને આગામી ૧૦ વર્ષમાં ભારતમાં આશરે રૂા.૬૦,૦૦૦ કરોડના રોકાણનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત તરફથી સતત પ્રયાસો થઈ રહ્યા છે.
ભારતની વૈશ્વિક આર્થિક પહોંચ માત્ર એશિયા પૂરતી મર્યાદિત નથી. કેનેડા સાથે પણ વેપાર અને રોકાણ વધારવા માટે ચર્ચા થવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૬ અને ૨૭ ઓગસ્ટે કેનેડાની મુલાકાતે જવાના છે. ત્યારબાદ તેઓ ઞ્૨૦ નાણામંત્રીઓની બેઠક માટે અમેરિકા જશે. આ ઉપરાંત વાણિજ્ય સચિવને આર્જેન્ટિના, ચિલી અને બ્રાઝિલના પ્રવાસે મોકલવામાં આવશે. ચિલી સાથે ભારતનો વેપાર કરાર પૂર્ણ થવાના આરે છે, જેના કારણે ભારતને ચિલીના મહત્વપૂર્ણ ખનિજ બજારમાં પ્રવેશ મેળવવામાં મદદ મળી શકે છે.
ભારત દક્ષિણ અમેરિકાના વેપાર બ્લોક મર્કોસુર સાથે પણ વેપાર કરાર કરવા માટે આગળ વધી રહ્યું છે. તેમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરાગ્વે અને બોલિવિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આર્જેન્ટિના અને બ્રાઝિલ મોટા બજારો ધરાવે છે અને તેઓ પણ ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં ભારત માટે આ દેશો સાથે વેપાર અને રોકાણના નવા રસ્તા ખોલવાની મોટી તક ઊભી થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
