<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વડાપ્રધાન મોદીનો ત્રણ રાજ્યોનો ઝંઝાવતી પ્રવાસ: ગુજરાત, કર્ણાટક અને તેલંગાણાને આપશે કરોડોની ભેટ, સોમનાથ દાદાના સાનિધ્યમાં ઉજવશે 'અમૃત મહોત્સવ'

બે દિવસમાં ₹9,400 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત; બેંગલુરુમાં 'આર્ટ ઓફ લિવિંગ'ના કાર્યક્રમમાં હાજરી આપશે અને હૈદરાબાદમાં વિકાસના નવા દ્વાર ખોલશે

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ મેના રોજ કર્ણાટક, તેલંગાણા અને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન પીએમ મોદી દેશને આશરે ૯,૪૦૦ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ પ્રવાસમાં ધાર્મિક, આધ્યાત્મિક અને વિકાસલક્ષી કાર્યોનો ત્રિવેણી સંગમ જોવા મળશે.
સોમનાથમાં 'અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી
વડાપ્રધાનના આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ ગુજરાતનું સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર રહેશે. પીએમ મોદી સોમનાથ મંદિરના 'અમૃત મહોત્સવ' (Somnath Amrut Mahotsav) માં સહભાગી થશે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના સાનિધ્યમાં યોજાનારા આ મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ અહીં વિશેષ પૂજા-અર્ચના પણ કરશે.
બેંગલુરુમાં આધ્યાત્મિક શક્તિનું પ્રદર્શન
રવિવારની સવારે વડાપ્રધાન બેંગલુરુમાં 'ધ આર્ટ ઓફ લિવિંગ' (The Art of Living) ના ૪૫માં વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે. અહીં તેઓ વિશાળ જનમેદનીને સંબોધિત કરશે અને આધ્યાત્મિક ક્ષેત્રે સંસ્થાના યોગદાનને બિરદાવશે. કર્ણાટકની મુલાકાત બાદ પીએમ તેલંગાણા તરફ રવાના થશે.
હૈદરાબાદમાં વિકાસની હેટ્રિક
તેલંગાણાના હૈદરાબાદમાં વડાપ્રધાન ૯,૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ સાથે જ તેઓ અનેક નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે, જેનાથી દક્ષિણ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં મોટો વધારો થશે.
પીએમ મોદીના આ પ્રવાસને લઈને ત્રણેય રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત અને તેલંગાણામાં વિકાસના કામોને લઈને સ્થાનિક જનતામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

(10:52 PM IST)