<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના ૧૩૭મા એપિસોડમાં દેશની યુવા પ્રતિભા અને ક્રિએટિવિટીને બિરદાવી, નશાબંધીથી લઈને ઈતિહાસના ડિજિટલાઈઝેશન અને 'વોકલ ફોર લોકલ' સુધીના મહત્વના મુદ્દાઓ પર રજૂ કર્યા વિચારો

ભારતભરના યુવા કન્ટેન્ટ ક્રિએટર્સ અને સંગીતકારો દેશના સામાજિક આંદોલનોને નવી દિશા આપવાની અભૂતપૂર્વ ક્ષમતા ધરાવે છે: વડાપ્રધાને મુંબઈના ક્રિષ્ણા શેષાદ્રિના 'ભારતરાજ્ય' પ્રોજેક્ટ, નશા મુક્ત ભારત અભિયાન, પીએમ સ્વનિધિ યોજના હેઠળ મહિલા સશક્તિકરણ અને 'મિશન શક્તિસેટ' ક્ષેત્રે મેળવેલી મોટી સિદ્ધિઓનો ઉલ્લેખ કરી દેશવાસીઓને પ્રેરણા આપી

નવી દિલ્હી : રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના ૧૩૭મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો અને કન્ટેન્ટ ક્રિએટર્સની રચનાત્મકતાની ભારે પ્રશંસા કરી છે. વડાપ્રધાને જણાવ્યું કે ભારત પાસે ટેલેન્ટ અને યુવા ક્રિએટર્સનો મોટો ખજાનો છે, અને જો આ ક્રિએટિવ ક્ષમતાનો ઉપયોગ સામાજિક જાગૃતિ માટે કરવામાં આવે તો તે સત્તાવાર સરકારી ઝુંબેશો કરતા પણ વધુ અસરકારક પરિણામો આપી શકે છે.

નશા મુક્ત ભારત અને યુવા ક્રિએટર્સની ભૂમિકા

વડાપ્રધાને 'નશા મુક્ત ભારત અભિયાન'ની ચર્ચા કરતાં કહ્યું કે આ માત્ર એક વ્યક્તિની લડાઈ નથી પરંતુ આખા પરિવાર અને સમાજને બચાવવાનો પ્રયાસ છે. આ જાગૃતિ ફેલાવવા માટે તેમણે દેશના યુવા સંગીતકારો, નાટક મંડળીઓ અને સોશિયલ મીડિયા ક્રિએટર્સને આગળ આવવા આહ્વાન કર્યું. તેમણે સૂચન કર્યું કે યુવાનો વ્યસનમુક્તિ અંગે પ્રાદેશિક ભાષાઓમાં ગીતો, ટૂંકા નાટકો અને ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરે, જેથી નશા મુક્ત ભારતનો સંદેશ દેશના ખૂણે-ખૂણે પહોંચાડી શકાય.

'ભારતરાજ્ય' એટલસ અને ઈતિહાસનું ડિજિટલાઈઝેશન

મુંબઈના ડેવલપર ક્રિષ્ણા શેષાદ્રિ દ્વારા તૈયાર કરાયેલી 'ભારતરાજ્ય' (ઈન્ડિયાઝ ઈન્ટરેક્ટિવ હિસ્ટોરિકલ એટલસ) વેબ પોર્ટલના વખાણ કરતા વડાપ્રધાને તેમની સાથે વાતચીતનો વિગતવાર ઉલ્લેખ કર્યો. આ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી કોઈપણ વ્યક્તિ સદીઓ જુના ભારતીય ઈતિહાસ અને કયા સમયગાળામાં કયા વિસ્તાર પર કયા શાસકનું રાજ હતું તે સરળતાથી જાણી શકે છે. એઆઈ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલું આ ઓપન સોસ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ક્રિએટર્સ માટે ઈતિહાસને રોચક રીતે શીખવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે.

મહિલા સશક્તિકરણ, આંતરરાષ્ટ્રીય સ્પેસ મિશન અને સ્વદેશીનો આગ્રહ

પોતાના સંબોધનમાં વડાપ્રધાને 'પીએમ સ્વનિધિ યોજના' વિશે વાત કરતા જણાવ્યું કે આ યોજનાનો લાભ મેળવનારાઓમાં લગભગ ૪૬ ટકા એટલે કે ૩૫ લાખ જેટલી મહિલાઓ છે, જે નાનો વેપાર કરીને આત્મનિર્ભર બની રહી છે. આ ઉપરાંત, સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ૧૦૮ દેશોની ૧૨,૦૦૦ વિદ્યાર્થિનીઓને આવરી લેતા 'મિશન શક્તિસેટ' (Mission ShaktiSAT)નો ઉલ્લેખ કરીને ભારતીય દીકરીઓની પ્રગતિ પર ગૌરવ વ્યક્ત કર્યો હતો.

તહેવારોની મોસમ નજીક આવી રહી હોવાથી વડાપ્રધાને દેશવાસીઓને 'વોકલ ફોર લોકલ' મંત્ર ફરી યાદ અપાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે વોકલ ફોર લોકલ એટલે માત્ર માટીના દીવા ખરીદવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઘરમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ ભારતમાં જ બનેલી હોય તેવો આગ્રહ રાખવો અને સ્થાનિક કારીગરોના કૌશલ્યને પ્રોત્સાહન આપવું એ આપણી નૈતિક ફરજ છે.

(1:34 PM IST)