તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વીડનના સર્વોચ્ચ પ્રતિષ્ઠિત એવોર્ડ ‘રોયલ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર’ થી સન્માનિત : પીએમ મોદીને મળેલું આ ૩૧મું વૈશ્વિક સન્માન
ગોથેનબર્ગ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સ્વીડિશ પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વારસાની ઉજવણી કરી : માર્સ્કના ચેરમેન સાથે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે રોકાણ વધારવા અંગે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

ગોથેનબર્ગ (સ્વીડન)પોતાના પાંચ દેશોના મહત્વપૂર્ણ પ્રવાસના ભાગરૂપે સ્વીડન પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સ્વીડન સરકાર દ્વારા એક અત્યંત વિશેષ અને સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સ્વીડનના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘રોયલ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર’ (Royal Order of Polar Star) થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ કોઈ પણ દેશના વડાને આપી શકાતું સર્વોચ્ચ સન્માન છે. વડાપ્રધાન તરીકે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારતા નરેન્દ્રભાઈ મોદીને મળેલો આ ૩૧મો આંતરરાષ્ટ્રીય સ્તરનો સર્વોચ્ચ પુરસ્કાર અને સન્માન છે, જે ભારત અને સ્વીડન વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોની સાક્ષી પૂરે છે.
આ ઐતિહાસિક સન્માન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને સંયુક્ત રીતે વિશ્વપ્રસિદ્ધ ભારતીય કવિ અને નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના ભવ્ય વારસા અને લેગસીની ઉજવણી કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવાયું હતું કે, બંને દેશોના વડાઓએ ગુરુદેવ ટાગોરના સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રદાનને યાદ કરીને ભારત-સ્વીડનના સાંસ્કૃતિક જોડાણને બિરદાવ્યું હતું. વિદેશની ધરતી પર ભારતના આ મહાન વારસાનું સન્માન થવું એ પ્રવાસી ભારતીયો માટે પણ અત્યંત આનંદની ક્ષણ રહી હતી.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક શિપિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની માર્સ્ક (Maersk) ના ચેરમેન રોબર્ટ માર્સ્ક ઉગ્લા સાથે ગોથેનબર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી શેર કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, માર્સ્કના ચેરમેન સાથેની મુલાકાતમાં ભારતમાં રહેલી વ્યાપારી ક્ષમતા અને તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને ભારતના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (બંદર વિકાસ), લોજિસ્ટિક્સ અને અન્ય સંબધિત ક્ષેત્રોમાં માર્સ્ક કંપની દ્વારા રોકાણોને વધુ ઊંડાણપૂર્વક આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જે ભારતના સાગરમાલા પ્રોજેક્ટ અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ પ્રવાસ અંગે નોર્વેજીયન શિપઓનર્સ એસોસિએશનના ડાયરેક્ટર અને જીઓપોલિટિક્સના વડા લાઇન ફાલ્કેનબર્ગ ઓલેસ્ટેડે મીડિયા સાથેની વાતચીતમાં મોટી અપેક્ષાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, નોર્ડિક દેશો અને ભારત વચ્ચે શિપબિલ્ડિંગ (જહાજ નિર્માણ) ક્ષેત્રે વધુ મજબૂત સહયોગની આશા છે. વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ની કટોકટી અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા તણાવને જોતા વૈશ્વિક વ્યાપારને સ્થિર રાખવા માટે ભારત જેવા મજબૂત ભાગીદારની અત્યંત જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓનું સમર્થન કરવાનું ચાલુ રાખશે જેથી વૈશ્વિક વેપારી જહાજો ફરીથી સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. બંને દેશો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતા હોવાથી વૈશ્વિક વ્યાપારને પુનઃ સંતુલિત કરવામાં ભારતની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
