<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરીને એસઆરસીસી કોલેજના શતાબ્દી સમારોહમાં લીધો ભાગ

વડાપ્રધાને દિલ્હી મેટ્રો દ્વારા શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની મુલાકાત લીધી અને કોલેજના સો વર્ષના ગૌરવશાળી ઇતિહાસની પ્રશંસા કરી.

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે દિલ્હી મેટ્રોમાં સામાન્ય મુસાફરોની જેમ સફર કરીને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ એટલે કે એસઆરસીસી પહોંચ્યા હતા, જ્યાં તેઓ આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ સાદગીપૂર્ણ અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તેમણે મેટ્રો દ્વારા કોલેજ પહોંચવાનો અનોખો માર્ગ પસંદ કર્યો હતો.

દિલ્હી યુનિવર્સિટીની આ અગ્રણી કોલેજના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ ભવ્ય શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાંજે સાત વાગ્યે વિશેષ હાજરી આપી હતી. શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ ભારતની સર્વોચ્ચ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ગણના પામે છે અને તે વાણિજ્ય, અર્થશાસ્ત્ર તેમજ સંચાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ શિક્ષણનું કેન્દ્ર છે.

આ વિશેષ કાર્યક્રમ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશ શેર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે તેઓ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કોલેજની પ્રશંસા કરતા ઉમેર્યું કે આ સંસ્થાએ વર્ષોથી શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, સંસ્થાકીય નિર્માણ અને વેપાર, જાહેર જીવન તેમજ સમાજને નવી દિશા આપનાર પેઢીઓનું ઘડતર કરવામાં અદ્ભુત યોગદાન આપ્યું છે.

ઉચ્ચ શિક્ષણ જગતમાં આ સંસ્થાએ પોતાની એક અલગ અને મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. શતાબ્દી ઉજવણીના આ મહત્ત્વપૂર્ણ અવસરે કોલેજ સાથે જોડાયેલા અનેક જાણીતા ચહેરાઓ, વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

(9:19 PM IST)