તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
મનીલામાં ક્વાડ શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત : ટ્રમ્પે નરેન્દ્રભાઈને ગણાવ્યા ખૂબ જ મજબૂત નેતા : જુઓ વિડીયો
જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની હાજરીમાં આર્થિક સુરક્ષા, ક્રિટિકલ મિનરલ્સ અને સપ્લાય ચેઇન મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા : ચીનના શેનઝેનમાં શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન સાથેની ત્રિપક્ષીય બેઠક પૂર્વે આ મુલાકાતનું વધ્યું કૂટનીતિક મહત્વ

મનીલા: ફિલિપાઇન્સની રાજધાની મનીલા ખાતે મંગળવારે ૧૭ નવેમ્બરના રોજ યોજાયેલા ક્વાડ નેતાઓના શિખર સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. આ વૈશ્વિક મંચ પરથી ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભરપૂર પ્રશંસા કરતા તેમને ખૂબ જ મજબૂત અને કડક વ્યક્તિ ગણાવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે ક્વાડના તમામ નેતાઓ તેમના ખૂબ જ સારા મિત્રો છે અને ભારતના વડાપ્રધાન સાથે અમેરિકાના સંબંધો અત્યંત મજબૂત છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને પણ કડક ચેતવણી આપી હતી.
ક્વાડ નેતાઓની મિત્રતા અને ટ્રમ્પનું નિવેદન:
શિખર સંમેલનના મંચ પરથી બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે હળવાશભર્યા અંદાજમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ સખત વ્યક્તિ છે અને જાપાનના વડાપ્રધાન શ્રીમતી સાને તાકાઈચી તો કદાચ તેમનાથી પણ વધુ સખત છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝ અને પોતે બરાબર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી એક મજબૂત નેતા છે અને તેમની સાથે અમારી ગાઢ મિત્રતા છે. કૂટનીતિક નિષ્ણાતોના મતે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આગામી ૧૯ નવેમ્બરના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના શેનઝેન શહેરમાં એપેક શિખર સંમેલનના અવસરે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠક કરવા જઈ રહ્યા છે.
આર્થિક સુરક્ષા અને સપ્લાય ચેઇન પર વિશેષ ભાર:
ભારતીય અને જાપાની રાજદ્વારીઓના હવાલેથી પ્રાપ્ત વિગતો અનુસાર મનીલામાં યોજાયેલી આ બેઠકમાં આર્થિક સુરક્ષા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બેઠકમાં ખાસ કરીને નવી અને સંવેદનશીલ ટેકનોલોજી, ક્રિટિકલ મિનરલ્સ, માલસામાનની અવિરત સપ્લાય ચેઇન અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેવા મુખ્ય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્વાડ શિખર સંમેલનના એજન્ડામાં કોમર્શિયલ શિપિંગની સુરક્ષા અને મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ જેવા સંવેદનશીલ મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરિયાઈ વિવાદોને કારણે તાજેતરના વર્ષોમાં ફિલિપાઇન્સ અને ચીન વચ્ચે રહેલા તણાવને જોતા મનીલામાં ક્વાડ બેઠકનું આયોજન એક મોટો કૂટનીતિક સંદેશ માનવામાં આવે છે.
મનીલામાં ટ્રમ્પના પ્રવાસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન:
બીજી તરફ મનીલા પહોંચવા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાનિક સ્તરે તીવ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના પ્રવાસના વિરોધમાં મનીલામાં સતત પાંચમા દિવસે દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પના પૂતળાનું દહન કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી હતી. આ સાથે જ દેખાવકારોએ અમેરિકાના નેતૃત્વ હેઠળની સપ્લાય ચેઇન પહેલ પેક્સ સિલિકાને રદ કરવાની પણ ઉગ્ર માંગણી ઉઠાવી હતી.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
