તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે નોર્વેની ઐતિહાસિક મુલાકાતે : ૪૩ વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ઓસ્લો જશે
મુલાકાત દરમિયાન ત્રીજી ભારત-નોર્ડિક સમિટ યોજાશે : દરિયાઈ સુરક્ષા, ગ્રીન ટેકનોલોજી અને સ્પેસ ક્ષેત્રે સહયોગ વધારવા સાથે ૧૦૦ બિલિયન ડોલરના રોકાણ કરાર ‘તેપા’ (TEPA) ને વધુ વેગ મળવાની અપેક્ષા

ઓસ્લો : ભારતની વૈશ્વિક સ્તરે વધી રહેલી આર્થિક અને વ્યૂહાત્મક વગ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમવારે નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે પહોંચશે. છેલ્લા ૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર નોર્વે મુલાકાત છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને યુરોપના સૌથી સમૃદ્ધ દેશોમાંના એક એવા નોર્વે વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જશે. પીએમ નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત દરમિયાન ત્રીજી ભારત-નોર્ડિક સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે અગાઉ ૨૦૧૮માં સ્ટોકહોમ અને ૨૦૨૨માં કોપનહેગન ખાતે યોજાઈ હતી. હાલમાં માત્ર અમેરિકા જ એકમાત્ર એવો દેશ છે જે ભારત ઉપરાંત નોર્ડિક દેશો સાથે આ પ્રકારનું સંસ્થાકીય માળખું અને ભાગીદારી ધરાવે છે.
ભારત અને નોર્વે વચ્ચેના ગાઢ બનતા સંબંધોના કેન્દ્રમાં આર્થિક મોરચો મુખ્ય છે. ૧ ઓક્ટોબર ૨૦૨૫ થી અમલમાં આવેલા ભારત-ઈએફટીએ (EFTA) ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (TEPA) એ યુરોપના વિકસિત અર્થતંત્રો આઈસલેન્ડ, લિક્ટેન્સ્ટાઈન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ સાથે ભારતનો પ્રથમ મુક્ત વ્યાપાર કરાર છે. આ ઐતિહાસિક કરાર અંતર્ગત આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૧૦૦ બિલિયન ડોલરના રોકાણ અને ૧૦ લાખ પ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, અંદાજે ૨ ટ્રિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા વિશ્વના સૌથી મોટા સોવરિન વેલ્થ ફંડ ‘નોર્વે ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ’ દ્વારા ભારતીય મૂડીબજારમાં પહેલેથી જ ૩૦ બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે અને નોર્વેની સંસ્થા ‘નોરફંડ’ ભારતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને સતત આર્થિક ટેકો આપી રહી છે.
બંને દેશો વચ્ચે સંરક્ષણ અને દરિયાઈ ક્ષેત્રે પણ સહયોગ ઝડપથી આગળ વધી રહ્યો છે. નોર્વેજીયન શિપઓનર્સ એસોસિએશનના કુલ ઓર્ડર બુકમાં ભારતીય શિપયાર્ડ્સનો હિસ્સો ૧૧ ટકા જેટલો મોટો છે. કોચીન શિપયાર્ડ હાલમાં નોર્વેના ગ્રાહકો માટે પર્યાવરણને અનુકૂળ ઈકો-ફ્રેન્ડલી જહાજોનું નિર્માણ કરી રહ્યું છે. જૂન ૨૦૨૫ માં ભારતના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) અને નોર્વેની કોંગ્સબર્ગ મેરિટાઇમ વચ્ચે થયેલા એમઓયુ (MoU) મુજબ ભારતનું પ્રથમ સ્વદેશી ‘પોલાર રિસર્ચ વેસલ’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં બંને દેશો વચ્ચે પ્રથમ મેરિટાઇમ સિક્યુરિટી ડાયલોગનું પણ સફળ આયોજન કરાયું હતું.
સાયન્સ, સ્પેસ અને એનર્જી ક્ષેત્રે પણ બંને દેશો ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૬ માં નોર્વેના સ્વાલબાર્ડ દ્વીપસમૂહ ખાતે ઈસરો (ISRO) ના એન્ટેના સક્રિય થઈ ગયા છે, જેનાથી ભારતની પોલાર સેટેલાઇટ ડેટા મેળવવાની ક્ષમતામાં મોટો વધારો થયો છે. આર્ક્ટિકમાં સ્થિત ભારતનું ‘હિમાદ્રી’ રિસર્ચ સ્ટેશન ૨૦૦૮ થી અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ વૈજ્ઞાનિકોની યજમાની કરી ચૂક્યું છે. આ ઉપરાંત ભારતના હિમાલયમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી ‘ચાર ધામ રેલ્વે પ્રોજેક્ટ’ માં નોર્વેની ટનલ બનાવવાની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતથી ગ્રીન ટ્રાન્ઝિશન, ક્રિટિકલ મિનરલ્સ અને બંને દેશોના નાગરિકો વચ્ચેના પરસ્પર સંબંધો અંગે મોટી જાહેરાતો થવાની સંભાવના છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
