તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસન અને લોકસેવાનો કાળ ભારતને ‘વિકસિત ભારત’ અને ‘વિશ્વગુરુ’ બનાવવા તરફ દોરી જતો ભગીરથ પુરુષાર્થ : રાજકોટમાં ‘સેવા જ્યોત યાત્રા’ વેળાએ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનો દાવો
રાજકોટ એ નરેન્દ્રભાઈ મોદીના સંસદીય જીવનની ‘જન્મભૂમિ’ : રાજ્યભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' અને 'વિકસિત ભારત સંકલ્પ સભા' અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોમાં લાખો નાગરિકો ઉત્સાહભેર જોડાયા

રાજકોટ:ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષના સફળ સુશાસન અને લોકસેવાના કાર્યકાળને બિરદાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જીવનના ૨૫ વર્ષ દેશ અને સમાજ સેવા માટે ‘મા ભારતી’ના ચરણોમાં સમર્પિત કર્યા છે, જેના પરિણામે ભારત આજે ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ અને ‘વિશ્વગુરુ’ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
રાજકોટ ખાતે યોજાયેલા “સેવા જ્યોત યાત્રા” કાર્યક્રમ દરમિયાન પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ સાથેના ભાવાત્મક અને ઐતિહાસિક સંબંધોને યાદ કરતા જણાવ્યું હતું કે, રાજકોટ એ નરેન્દ્રભાઈ મોદીના સંસદીય રાજકારણની જન્મભૂમિ છે. ઓક્ટોબર-૨૦૦૧માં જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે તેઓ ધારાસભ્ય ન હતા. રાજકોટની ખમીરવંતી ધરતીના સપૂત અને વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ સ્વેચ્છાએ રાજકોટ-૨ એટલે કે, રાજકોટ પશ્ચિમ બેઠક ખાલી કરી હતી અને ફેબ્રુઆરી-૨૦૦૨માં યોજાયેલી પેટા ચૂંટણીમાં રાજકોટની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ વિજય અપાવીને પ્રથમવાર વિધાનસભામાં મોકલ્યા હતા.
જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમયથી જ રાજકોટ સાથે નરેન્દ્રભાઈ મોદીનો સંબંધ ગાઢ રહ્યો છે. રાજકોટના વરિષ્ઠ નેતાઓ અને સંઘચાલકો જેવા કે સ્વ. ચિમનભાઈ શુક્લ, સ્વ. કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, સ્વ. અરવિંદભાઈ મણિયાર, સ્વ. પ્રવીણભાઈ મણિયાર અને ડૉ. જયંતિભાઈ ભાડેસિયા જેવા મહાનુભાવો સાથે નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનિર્માણ અને સંઘીય વિચારધારાના પ્રસારનું કાર્ય કર્યું હતું. રાજકોટની આ પુણ્યભૂમિએ જ દેશને એક સમર્થ અને વૈશ્વિક નેતા આપવાનું નિમિત્ત કામ કર્યું છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર નરેન્દ્રભાઈ મોદી જ નહીં, પરંતુ રાજકોટની ધરતીએ સ્વ. વિજયભાઈ રૂપાણી જેવા સંવેદનશીલ મુખ્યમંત્રી પણ ગુજરાતને આપ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાથે સ્વ. વિજયભાઈ રૂપાણીનો સંબંધ પણ ગાઢ રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમવાર રાજકોટથી ચૂંટણી લડ્યા ત્યારે સ્વ. વિજયભાઈ રૂપાણીએ પડદા પાછળ તેમના કેમ્પેઈન મેનેજર તરીકેની જવાબદારી નિભાવીને તેમને વિજયી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજ સુધી એકપણ દિવસની રજા રાખ્યા વગર સતત ૨૫ વર્ષ સુધી દેશ અને નાગરિકોના હિત માટે કામ કર્યું છે. પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન એમ સરકારના વડા તરીકે સતત ૨૫ વર્ષ સુધી તેમણે સેવાઓ આપીને એક અનન્ય રેકોર્ડ સર્જ્યો છે. આટલું જ નહીં, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ તેમના જ નામે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં "સેવા જ્યોત યાત્રા"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય સ્થળો જેવાં કે, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાવ-થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાબરકાંઠા ખાતે પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ તથા ગીર સોમનાથ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં “સેવા જ્યોત યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં લાખો નાગરિકો આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ કાર્યક્રમના પ્રારંભે રાજ્યના તમામ સ્થળો ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને લાખો નાગરિકોએ ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને કરેલા પ્રેરણાદાયી સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ તમામ સ્થળોએથી 'સેવા જ્યોત યાત્રા'ને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ 'સેવા સંકલ્પ અભિયાન' એ માત્ર કોઈ ઉજવણી નથી, પરંતુ જનતાની પ્રત્યક્ષ સેવા કરવાનો અનોખો અવસર છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 'સેવા સેતુ' કાર્યક્રમો દ્વારા નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર નિવારણ, મેડિકલ અને આરોગ્ય કેમ્પ, સ્વચ્છતા અભિયાન તથા વ્યાપક વૃક્ષારોપણ જેવાં જનહિતકારી કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ૧૪૦ કરોડ ભારતીયો જ્યારે વ્યક્તિગત હિતથી ઉપર ઊઠીને ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘મા ભારતી’ના કલ્યાણના ભાવ સાથે એક ડગલું આગળ વધશે, ત્યારે વિકસિત ભારતનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થશે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
