તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
નીટ પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મોટું નિવેદન : પેપર લીકને 'ઘોર પાપ' ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી : યુવાનોનું ભવિષ્ય અને સુરક્ષા સરકારની પ્રાથમિકતા
પાર્લામેન્ટ તરફ કૂચ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થતાં અફરાતફરી : ૧૭૦થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા : એક યુવતી ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ

નવી દિલ્હી:નીટ (NEET) પરીક્ષાના પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં ગડબડના મુદ્દે દેશભરમાં રોષ વ્યાપેલો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઘટનાને 'ઘોર પાપ' ગણાવીને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. એનડીએ (NDA) ની સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાને આ પ્રતિક્રિયા આપી હતી, જેની માહિતી કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આપી હતી.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે નીટ પેપર લીકની ઘટનાને પક્ષપાતી રાજકારણનો મુદ્દો બનાવવો જોઈએ નહીં, કારણ કે આ કોઈ એક રાજ્ય કે કેન્દ્ર સરકાર પૂરતો મર્યાદિત વિષય નથી પરંતુ સમગ્ર દેશનો રાષ્ટ્રીય મુદ્દો છે. યુવાનોની સુરક્ષા અને તેમનું ભવિષ્ય એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
બીજી તરફ, આ મુદ્દે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ચરમસીમાએ પહોંચ્યું હતું. પેપર લીક અને અનિયમિતતાઓ સામે વિરોધ નોંધાવવા માટે યુવાનો, વિદ્યાર્થીઓ અને કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના કાર્યકરો દ્વારા 'ચલો સંસદ' માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદ તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડતાં ભારે હિંસક ઝડપો થઈ હતી.
પ્રદર્શનકારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ હતી: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી મુક્ત કરવા અને પેપર લીકના કારણે પરીક્ષા રદ થતાં આત્મહત્યા કરનારા નીટ પરીક્ષાર્થીઓના પરિવારોને વળતર આપવું.
સોમવારે થયેલી આ હિંસક ઝડપમાં પ્રદર્શનકારીઓ અને દિલ્હી પોલીસના કર્મચારીઓ મળીને ૧૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને આરએમએલ (Dr. Ram Manohar Lohia) હોસ્પિટલ અને લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ (LHMC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરએમએલ હોસ્પિટલમાં ૧૫૦ જેટલા ઘાયલોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી ૪૦ જેટલા પોલીસ કર્મચારીઓ હતા. તેમાંથી ૩૫ લોકોને દાખલ કરવામાં આવ્યા છે અને ૬૫ જેટલા મેડિકો-લીગલ કેસ નોંધાયા છે. જ્યારે ૧૦ જેટલા લોકો ભૂખ હડતાળ પર ઉતરેલા હતા, જેમની સ્થિતિ સ્થિર છે.
આ હિંસા દરમિયાન સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયેલી ૨૦ વર્ષીય યુવતીની હાલત અત્યંત ગંભીર છે. ગંભીર ઈજાના કારણે તેના મગજ સુધી ઓક્સિજન ન પહોંચતા તે 'હાઈપોક્સિક બ્રેઈન ઈંજરી'નો ભોગ બની છે. મોટાભાગના દર્દીઓને માથા, ચહેરા અને શરીર પર લાઠી વાગવાથી ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, લેડી હાર્ડિન્જ હોસ્પિટલમાં સારવાર લેનારા ૨૪ જેટલા દર્દીઓમાંથી મોટાભાગના લોકોને પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
