<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જોધપુરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દેશને સંદેશ: ઊર્જા સંકટ વચ્ચે ભારતે દેખાડી મજબૂત રાજદ્વારી, સરકારે ₹75 હજાર કરોડનું નુકસાન સહન કર્યું

વૈશ્વિક ઈંધણના ભાવ વધારા વચ્ચે સરકારે નાગરિકોને રાહત આપવા સબસિડી અને કરમાં કાપ મૂક્યો, મોદીએ કહ્યું - "દેશહિત સર્વોપરી"

 જોધપુર તા.૪ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોધપુરની જાહેરસભામાંથી દેશને સંબોધન કરતા કહ્યું કે વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે ભારતે મજબૂત રાજદ્વારી અને આર્થિક નિર્ણયો લઈને દેશને સ્થિર રાખ્યો છે.

 પીએમ મોદીએ કહ્યું કે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને હોવા છતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસ પર એક્સાઈઝ ડ્યુટી-ટેક્સમાં કાપ મૂકીને અને સબસિડી આપીને અંદાજે ₹75 હજાર કરોડનું નુકસાન સહન કર્યું છે. હેતુ માત્ર એક જ હતો કે સામાન્ય નાગરિક પર મોંઘવારીનો બોજ ન આવે. ઊર્જા સંકટના સમયમાં ભારતે અનેક દેશો પાસેથી રાહત દરે ઈંધણ ખરીદીને પોતાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરી. આને કારણે ભારત વૈશ્વિક સ્તરે ઊર્જા કટોકટીથી સૌથી ઓછી પ્રભાવિત થયેલા દેશોમાંનું એક બન્યું.

 પીએમએ કહ્યું કે હવે ભારત સોલાર, વિન્ડ, ગ્રીન હાઈડ્રોજન અને બાયોફ્યુઅલ જેવા વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો પર ભાર મૂકી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવી કટોકટીની અસર ઓછી થાય.

પીએમ મોદીએ કહ્યું કે "સરકાર માટે દેશહિત સર્વોપરી છે. મુશ્કેલ સમયમાં પણ અમે લોકોને રાહત આપવાનું કામ કર્યું છે અને કરતા રહીશું."

 

(4:49 PM IST)