તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
નીટ-યુજી પેપર લીક વિવાદ બાદ વડાપ્રધાનનો મોટો નિર્ણય : ટેકનોલોજી આધારિત માળખાકીય સુધારા કરવા કમિટીના વડા નંદન નિલેકણી, ISRO ભૂતપૂર્વ પ્રમુખ એસ. સોમનાથ, IB ભૂતપૂર્વ વડા તપન ડેકા, IIT ડાયરેક્ટર વી. કામકોટી, ભૂતપૂર્વ શિક્ષણ સચિવ શ્રીમતી અનીતા કરવાલ અને લોજિસ્ટિક્સ એક્સપર્ટ અમૃત લાલ મીણાને સોંપાઈ જવાબદારી
NTAમાં પરીક્ષા સુધારણા માટે 'હાઈ-પાવાર્ડ ટાસ્ક ફોર્સ' ની રચના : ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રના ૬ દિગ્ગજોનો કમિટીમાં સમાવેશ : NTAના ૪૭ કર્મચારીઓ સામે કાર્યવાહી બાદ મોટો નિર્ણય

નવી દિલ્હી:નીટ-યુજી (NEET-UG) પેપર લીક વિવાદ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાતી પરીક્ષાઓની વ્યવસ્થામાં અમૂલચૂલ પરિવર્તન લાવવા માટે મોટું કદમ ઉઠાવ્યું છે. વડાપ્રધાન દ્વારા NTA ની પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત, પારદર્શી અને વિશ્વસનીય બનાવવા માટે એક હાઈ-પાવાર્ડ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટાસ્ક ફોર્સ ખાસ કરીને ટેકનોલોજીના ઉપયોગ અને પરીક્ષા માળખામાં જરૂરી સુધારાઓ અંગે સરકારને પોતાના મહત્વપૂર્ણ સૂચનો આપશે.
ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રના ૬ દિગ્ગજોનો કમિટીમાં સમાવેશ:
આ હાઈ-પાવાર્ડ ટાસ્ક ફોર્સમાં દેશની વિવિધ અગ્રણી સંસ્થાઓના ૬ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે:
નંદન નિલેકણી (ઇન્ફોસિસ સહ-સ્થાપક): ઇન્ફોસિસના સહ-સ્થાપક અને ટેકનોલોજી એક્સપર્ટ નંદન નિલેકણી આ કમિટીનું નેતૃત્વ કરશે. તેમણે આધાર પ્રોજેક્ટને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IIT બોમ્બેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરનાર નિલેકણીએ ૧૯૮૧માં એન.આર. નારાયણ મૂર્તિ સાથે મળીને ઇન્ફોસિસની સ્થાપના કરી હતી.
એસ. સોમનાથ (ISRO ભૂતપૂર્વ ચેરમેન): ભારતના અંતરિક્ષ કાર્યક્રમ સાથે લાંબા સમયથી જોડાયેલા અને ISROના ભૂતપૂર્વ ચેરમેન એસ. સોમનાથનો સમાવેશ કરાયો છે. તેમણે ૧૯૮૫માં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી કારકિર્દી શરૂ કરી હતી અને જાન્યુઆરી ૨૦૨૨માં ISROના પ્રમુખ બન્યા હતા.
તપન ડેકા (IB ભૂતપૂર્વ નિયામક): ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ભૂતપૂર્વ વડા અને ૧૯૮૮ બેચના હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી તપન ડેકાને સુરક્ષા અને ઇન્ટેલિજન્સ બાબતોના વિશાળ અનુભવને ધ્યાને રાખીને આ ટીમમાં સામેલ કરાયા છે.
વી. કામકોટી (IIT મદ્રાસ ડાયરેક્ટર): IIT મદ્રાસના ડાયરેક્ટર અને કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન સિક્યુરિટી તથા VLSI ડિઝાઇનના નિષ્ણાત વી. કામકોટી આ કમિટીના સભ્ય છે. તેઓ જાન્યુઆરી ૨૦૨૨થી IIT મદ્રાસના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
શ્રીમતી અનીતા કરવાલ (ભૂતપૂર્વ શિક્ષણ સચિવ): શિક્ષણ મંત્રાલયમાં અગત્યની ફરજ બજાવી ચૂકેલા ૧૯૮૮ બેચના IAS અધિકારી અને ભૂતપૂર્વ શિક્ષણ સચિવ શ્રીમતી અનીતા કરવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમૃત લાલ મીણા (લોજિસ્ટિક્સ એક્સપર્ટ): લોજિસ્ટિક્સ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાત અમૃત લાલ મીણાને પણ આ ટાસ્ક ફોર્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.
NTAના ૪૭ કર્મચારીઓ સામે કાર્યવાહી બાદ મોટો નિર્ણય:
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ૪૭ કર્મચારીઓ સામે આકરા પગલાં ભર્યા હતા. હવે આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરીને પરીક્ષા પ્રક્રિયામાં રહેલી ખામીઓને દૂર કરવા અને કડક માળખાકીય સુધારાઓ અમલી બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
