<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

મહારાષ્ટ્રમાં કોર્પોરેટ જેહાદ સામે નોકરીઓમાં હિન્‍દુઓને પ્રાથમિકતા આપવી એ સમયની જરૂરિયાતઃ નીતેશ રાણે

ધાર્મિક પરિવર્તન માટે નોકરીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

મુંબઈ,તા.૧૮: મહારાષ્ટ્રના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતેશ રાણેએ ગુરુવારે રાજ્‍યમાં કોર્પોરેટ જેહાદનો ઉદ્વવ થયો હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે જેહાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ફક્‍ત હિન્‍દુ ઉમેદવારોને નોકરી પર રાખવાને પ્રેફરન્‍સ આપવો એ સમયની જરૂરિયાત છે. તેમણે આ કમેન્‍ટ નાશિકમાં તાતા કન્‍સલ્‍ટન્‍સી સર્વિસિસ (TCS)ના BPO યુનિટમાં ધાર્મિક પરિવર્તન અને જાતીય સતામણીના કેસ સંદર્ભે કરી હતી.

નાશિકમાં TCS કેસનો ઉલ્‍લેખ કરતાં નીતેશ રાણેએ આરોપ લગાવ્‍યો હતો કે ધાર્મિક પરિવર્તન માટે નોકરીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ‘જો વેપારથી લઈને કોર્પોરેટ ઑફિસો સુધીના દરેક પ્‍લેટફોર્મનો ઉપયોગ વિવિધ પ્રકારના જેહાદ દ્વારા હિન્‍દુઓને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે તો હવે કડક પ્રતિક્રિયા આપવાનો સમય આવી ગયો છે. આવી ઘટનાઓને કારણે હિન્‍દુ સમુદાયનાં હિતોનું રક્ષણ કરવા માટે ફક્‍ત સાથી હિન્‍દુઓ સાથે આર્થિક વ્‍યવહાર અને રોજગાર કરવાની ભાવના વધી રહી છે. કંપનીઓ ટૂંક સમયમાં આવી જેહાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ફક્‍ત હિન્‍દુઓને જ નોકરી પર રાખવાની નીતિ અપનાવી શકે છે. અમે સમાજને વિભાજિત કરવા નથી માગતા, પરંતુ ગ્રાઉન્‍ડ રિયલિટી પર પ્રતિક્રિયા આપી રહ્યા છીએ. જો આજીવિકા માટે પૂરી પાડવામાં આવતા રોજગારને ધાર્મિક પરિવર્તન તરફ વાળવામાં આવે છે તો હિન્‍દુ રાષ્ટ્રને મજબૂત કરવા માટે હિન્‍દુ ઉમેદવારોને પ્રાથમિકતા આપવી એ સમયની જરૂરિયાત છે. જો રોજગારનો દુરુપયોગ જેહાદને પ્રોત્‍સાહન આપવા માટે થઈ રહ્યો છે તો એને આજીવિકાના સાધન તરીકે જોવાને બદલે સ્‍ટેન્‍ડ લેવાનો સમય આવી ગયો છે

 

 

(10:04 AM IST)