તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
હિમાચલના નૂરપુરમાં ખાનગી બસ પલટી : ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા સર્જાયો અકસ્માત : ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે
ચંબાથી ઉના જતી બસમાં સવાર 40 મુસાફરો પૈકી 24 થી વધુ લોકો ઘાયલ : નિયાઝપુર પાસે શનિદેવ મંદિર નજીક સર્જાયેલી દુર્ઘટનામાં 5 મુસાફરોની હાલત ગંભીર : ટાયર ફાટ્યું હોવાની પણ આશંકા

નૂરપુર: હિમાચલ પ્રદેશના નૂરપુરમાં રવિવારે સવારે એક કાળજું કંપાવનારી બસ દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી એક ખાનગી બસ પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ, ચાલુ બસે ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવી જતાં તેણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 24 થી વધુ મુસાફરો લોહીલુહાણ થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો
ઘટનાની વિગતો મુજબ, 'દેવી દર્શન' નામની ખાનગી બસ સવારે સાડા છ વાગ્યે ચંબાથી ઉના જવા રવાના થઈ હતી. બસ જ્યારે નૂરપુરના નિયાઝપુર વિસ્તારમાં શનિદેવ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરની તબિયત લથડી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરને હૃદયરોગનો હુમલો આવતા બસ બેકાબૂ બની હતી અને જોરદાર ધડાકા સાથે રસ્તાની વચ્ચે જ પલટી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 40 થી વધુ મુસાફરો સવાર હતા.
ટાયર ફાટ્યું કે એટેક? પોલીસની તપાસ શરૂ
જોકે, અકસ્માતના કારણો અંગે બે પાસાઓ સામે આવી રહ્યા છે. કેટલાક મુસાફરોનું કહેવું છે કે વળાંક પર બસનું ટાયર ફાટ્યું હોય તેવો જોરદાર ધડાકો સંભળાયો હતો અને ત્યારબાદ બસ પલટી ગઈ હતી. તો બીજી તરફ પોલીસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યાની થિયરી પર પણ તપાસ કરી રહી છે. મુસાફરોના મતે બસની સ્પીડ પણ ઘણી વધારે હતી. હાલ પોલીસ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ કરી રહી છે.
સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસની બારીઓ તોડીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને નૂરપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં 5 મુસાફરોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના મુસાફરો ચંબા જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે.
હિમાચલમાં અકસ્માતોનો સિલસિલો
અત્રે ઉલ્લેખનીય છે કે, હિમાચલના કુલ્લુ જિલ્લાના આનીમાં પણ થોડા સમય પહેલા એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ચાલુ વાહન પર ઝાડ પડતા ચાર મહિલા શિક્ષિકાઓના મોત નિપજ્યા હતા. પહાડી વિસ્તારોમાં સતત વધી રહેલા વાહન અકસ્માતોને પગલે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. નૂરપુરના આ અકસ્માતે ફરી એકવાર મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
