<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

'કાયદાનો વ્યવસાય નબળા હૃદયવાળા લોકો માટે નથી' - બેંગલુરુમાં CJI સૂર્યકાંતનું યુવા પેઢીને માર્ગદર્શન અને પ્રેરણાદાયી સંબોધન

નેશનલ લો સ્કૂલના ૩૪મા દીક્ષાંત સમારોહમાં સીજેઆઈએ લો ગ્રેજ્યુએટ્સને ન્યાયના પક્ષમાં ઊભા રહેવા અને બંધારણીય મૂલ્યો જાળવી રાખવા કર્યું આહ્વાન

નવી દિલ્હી, તા. ૧૭ ઓક્ટોબર : ભારતના વડા ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત શનિવારે બેંગલુરુ સ્થિત નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીના ૩૪મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કાયદાકીય શિક્ષણ પૂર્ણ કરનાર યુવા ગ્રેજ્યુએટ્સને મહત્વપૂર્ણ ગુરુમંત્ર આપતા જણાવ્યું હતું કે કાયદાનો વ્યવસાય નબળા હૃદયવાળા કે કમજોર દિલવાળા લોકો માટે નથી. તેમણે વિદ્યાર્થીઓથી ઊંચી અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.

સાહસ, ઈમાનદારી અને સંવિધાનની રક્ષા પર ભાર:
દીક્ષાંત સમારોહને સંબોધતા સીજેઆઈ સૂર્યકાંતે યુવા નાગરિકો અને લો ગ્રેજ્યુએટ્સને ન્યાય કાયમ રાખવા, વ્યક્તિગત સ્વતંત્રતાની રક્ષા કરવા અને સંવિધાનના મૂલ્યો પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ રહેવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે કાયદાના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે માત્ર કાનૂની જોગવાઈઓ કે જ્ઞાન પૂરતું નથી, પરંતુ અન્યાય સામે અડગ ઊભા રહેવાનું સાહસ, ઈમાનદારી અને જે લોકોનો અવાજ દબાઈ જાય છે તેમની વાત સાંભળવાની નમ્રતા હોવી જરૂરી છે.

સીજેઆઈએ યુવાઓને ચેતવણી આપી હતી કે તેઓ પોતાના વ્યાવસાયિક જીવનમાં ક્ષણિક સુવિધા કે ટૂંકા રસ્તા (શોર્ટટકટ) અપનાવીને પોતાના સિદ્ધાંતો સાથે ક્યારેય સમજૂતી ન કરે. સંસ્થામાં મેળવેલા મૂલ્યોને હંમેશાં પોતાના જીવન અને કારકિર્દીના માર્ગદર્શક બનાવવાની શીખ આપી હતી.

રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની જવાબદારી:
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાયદાકીય વ્યવસાય દ્વારા અન્યાય દૂર કરવા અને બંધારણની ગરિમા જાળવવાની મોટી તક મળે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની જવાબદારી માત્ર એક વકીલ અથવા કાનૂની વિશેષજ્ઞ પૂરતી સીમિત ન રાખવા અપીલ કરી હતી. દેશ અને સમાજ તેમની પાસેથી સકારાત્મક બદલાવ લાવવાની મોટી આશા રાખી બેઠો છે. આ દુનિયામાં ડગ માંડતી વખતે યુવાનોએ એ સમજવું પડશે કે રાષ્ટ્ર તેમને માત્ર કાયદાના જાણકાર તરીકે નહીં, પરંતુ આશાના વાહક તરીકે જુએ છે.

(5:12 PM IST)