<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

'સહકાર દ્વારા સમૃદ્ધિ': મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વમાં રાજસ્થાને રચ્યો નવો ઈતિહાસ, રાષ્ટ્રીય સહકારી યોજનાઓના અમલીકરણમાં દેશભરમાં ડંકો વગાડ્યો!

વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના, e-PACS ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ડેરી સેક્ટરમાં ઐતિહાસિક તેજી સાથે મરુભૂમિ દેશનું નંબર-૧ રાજ્ય બન્યું; મહિલા સશક્તિકરણ અને 'ગૃહલક્ષ્મી'ના ઉત્થાનથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત

જયપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સહકાર દ્વારા સમૃદ્ધિ'ના સંકલ્પને જમીન પર સાકાર કરવામાં રાજસ્થાન દેશભરમાં અગ્રેસર સાબિત થયું છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સહકારી મોડેલનો એવો સચોટ ઉપયોગ કર્યો છે કે, આજે ગામડાઓમાં આત્મનિર્ભરતા વધી રહી છે. ખાદ્ય સંગ્રહ ક્ષમતા હોય, e-PACS દ્વારા ઓનલાઈન વ્યવહારો હોય કે નવીનતમ M-PACS ની રચના હોય, રાજસ્થાન આ તમામ ક્ષેત્રોમાં દેશના અન્ય રાજ્યોને પાછળ છોડીને પ્રથમ ક્રમે આવી ગયું છે. આ જ ગૌરવશાળી સિદ્ધિના કારણે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલા ભવ્ય રાષ્ટ્રીય સમારોહમાં રાજસ્થાન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

અનાજ સંગ્રહ ક્ષમતા અને ડિજિટલ ક્રાંતિમાં દેશમાં પ્રથમ

વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના હેઠળ રાજસ્થાને અભૂતપૂર્વ સફળતા મેળવી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૦ જેટલા અત્યાધુનિક વેરહાઉસને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૧૨૦ ગોદામોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આનાથી આગામી સમયમાં રાજ્યની સંગ્રહ ક્ષમતામાં ૧,૨૫,૦૦૦ મેટ્રિક ટનનો જંગી વધારો થશે. માત્ર સંગ્રહ જ નહીં, પણ ટેકનોલોજીના યુગમાં પણ સહકારી મંડળીઓ (PACS) ને ડિજિટલ બનાવીને e-PACS માં રૂપાંતરિત કરાઈ છે. આ મંડળીઓ દ્વારા ૧૦ કરોડથી વધુ ઓનલાઈન વ્યવહારો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે, જે સમગ્ર દેશના કુલ ડિજિટલ સહકારી વ્યવહારોના ત્રીજા ભાગ (આશરે ૩૩%) જેટલા થવા જાય છે.

ખોટમાંથી બહાર આવી ડેરીઓ, ₹૧૦,૦૦૦ કરોડનું રેકોર્ડ ટર્નઓવર

રાજસ્થાનનું ડેરી સેક્ટર આજે ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. ડબલ-એન્જિન સરકારના શ્રેષ્ઠ પ્રબંધનને કારણે ભૂતકાળમાં ખોટમાં ચાલતા જિલ્લા દૂધ સંઘો આજે મોટો નફો કમાઈ રહ્યા છે. રાજસ્થાન કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન (RCDF) ના ૪૭ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ₹૧૦,૦૦0 કરોડનું રેકોર્ડબ્રેક વાર્ષિક ટર્નઓવર નોંધાયું છે. હાલમાં ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ ૯.૪૦ લાખ સભ્યોમાંથી ૪.૨૦ લાખથી વધુ માત્ર મહિલાઓ છે, જે નારી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ઉપરાંત, કિસાન સન્માન નિધિ હેઠળ ૭૧ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ₹૨,૭૨૬ કરોડ જમા કરાયા છે.

ભારત ટેક્સી, શ્રી અન્ન આઉટલેટ્સ અને સુમેલનું 'સહકાર વન'

રાજસ્થાન સરકારે ખાનગી ઓનલાઈન ટેક્સી કંપનીઓના એકાધિકારને તોડવા માટે સહકારી ધોરણે 'ભારત ટેક્સી' પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં ૧૭,૦૦૦ થી વધુ કેબ અને ઓટો ચાલકો જોડાઈ ચૂક્યા છે. પીએમ મોદીની જાડા અનાજની પહેલને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં ૨૪૦ 'શ્રી અન્ન આઉટલેટ્સ' ખોલવામાં આવ્યા છે. આટલું જ નહીં, પર્યાવરણ અને સહકારના સંગમ સમાન જયપુરના સુમેલ ગામમાં ૬૦ એકર જમીન પર જાપાનની પ્રખ્યાત 'મિયાવાકી પદ્ધતિ'થી વિશાળ 'સહકાર વન' વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં જનભાગીદારીથી હજારો વૃક્ષો વાવીને પ્રકૃતિનું જતન કરવામાં આવશે.

 

(7:08 PM IST)