તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
રસોડાના બજેટને રક્ષણ: હવે મધ્યપૂર્વના સંકટ વચ્ચે પણ દેશમાં LPG સિલિન્ડરની અછત નહીં સર્જાય : સરકારે ઘડ્યો માસ્ટરપ્લાન
ઈરાન-ઈઝરાયેલ તણાવ અને પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ભારતમાં ગેસ પુરવઠો ખોરવાય નહીં તે માટે રિફાઇનરીઓને અપાયા દેશના ઈતિહાસના સૌથી મોટા દૈનિક ઉત્પાદન લક્ષ્યાંકો

નવી દિલ્હી: ભારતના કરોડો ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે આયાતી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના સપ્લાય પર તોળાતા ખતરાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે પ્રથમ વખત એક ઐતિહાસિક પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશની તમામ સરકારી અને ખાનગી રિફાઇનરીઓ માટે સ્થાનિક રીતે એલપીજીનું ઉત્પાદન મહત્તમ કરવાના કડક દૈનિક લક્ષ્યાંકો નક્કી કરી દીધા છે, જેથી ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે તેવી અસ્થિરતા સર્જાય તો પણ દેશમાં રાંધણગેસની કોઈ અછત ન સર્જાય.
મંત્રાલયના આદેશ અનુસાર દેશની ૨૧ મોટી રિફાઇનરીઓ અને ઓઈલ કંપનીઓને મળીને દરરોજ કુલ ૬૩,૮૧૦ ટન LPG ઉત્પાદન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આંકડો ભારતના દૈનિક ગેસ વપરાશના લગભગ ૭૦ ટકા જેટલો થાય છે. ઉલ્લેખનીય છે કે ભારત પોતાની વાર્ષિક એલપીજી જરૂરિયાતના આશરે ૬૪ ટકાથી વધુ જથ્થો સાઉદી અરેબિયા અને કતાર જેવા પશ્ચિમ એશિયાના દેશોમાંથી આયાત કરે છે. આવી સ્થિતિમાં યુદ્ધ કે દરિયાઈ માર્ગો બંધ થવાને કારણે સપ્લાય ચેઈન તૂટે તો પણ ભારતીય રસોડામાં ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે આ "ઈમરજન્સી પ્રોડક્શન પ્લાન" તૈયાર કરવામાં આવ્યો છે.
આ નવા આદેશ હેઠળ ગુજરાતની રિફાઇનરીઓ પર સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર સ્થિત ડોમેસ્ટિક રિફાઇનરીને દરરોજ સૌથી વધુ ૧૮,૦૦૦ ટન LPG ઉત્પાદન કરવાનો સ્તબ્ધ કરી દેનારો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ સિવાય વાડીનાર સ્થિત નાયરા એનર્જીને રોજના ૪,૪૮૦ ટન અને દેશની ૧૮ જાહેર ક્ષેત્રની (PSU) રિફાઇનરીઓને મળીને દરરોજ ૩૧,૪૭૦ ટન ગેસ પેદા કરવાનો લક્ષ્યાંક મળ્યો છે. સરકાર દર છ મહિને આ લક્ષ્યાંકોની સમીક્ષા કરશે, જેથી દેશનો દરેક નાગરિક આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે પણ પોતાના ઘરમાં નિશ્ચિંત થઈને રાંધણગેસનો ઉપયોગ કરી શકે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
