<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

UPમાં 26 કલાકમાં 3 હત્યા કરનાર 'સાયકો કિલર' પૂર્વ ફૌજીનો એન્કાઉન્ટરમાં ખાતમો, પોલીસની પિસ્તોલ છીનવી ભાગવા જતાં ઠાર!

લોહીની હોળી ખેલનારનો અંત: ટ્રેનમાં બે મુસાફરો અને હોસ્પિટલમાં મહિલાની કરપીણ હત્યા કરનાર ગુરપ્રીત સિંહ પોલીસ સાથેના સંઘર્ષમાં મરાયો - ક્રાઈમ સીન રિક્રિએશન વખતે પોલીસ પર જ કર્યું ફાયરિંગ

ચંદૌલી : ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસથી આતંકનો પર્યાય બનેલા એક નિવૃત્ત સૈન્ય જવાનનો આખરે પોલીસે એન્કાઉન્ટરમાં ખાતમો બોલાવી દીધો છે. ૨૬ કલાકની અંદર ત્રણ નિર્દોષ લોકોની હત્યા કરનાર ૪૫ વર્ષીય ગુરપ્રીત સિંહને સોમવારે મોડી રાત્રે પોલીસ જવાબી કાર્યવાહીમાં ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. આ એન્કાઉન્ટરમાં ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

હત્યાઓનો સિલસિલો અને આતંક

અમૃતસરનો રહેવાસી અને છ વર્ષ પહેલાં સેનામાંથી નિવૃત્ત થયેલો ગુરપ્રીત સિંહ રવિવારથી કાતિલ બનીને રખડતો હતો. રવિવારે મધ્યરાત્રિએ તેણે જમ્મુ-તાવી એક્સપ્રેસમાં બિહારના એક મુસાફરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારપછી તે ભાગી છૂટ્યો અને રવિવારે સવારે સકલડીહા સ્ટેશન પાસે અન્ય એક પેસેન્જર ટ્રેનમાં ગાઝીપુરના રહેવાસીની હત્યા કરી તેના મૃતદેહને પાટા પર ફેંકી દીધો હતો. હજુ આટલેથી ન અટકતા, સોમવારે સવારે તેણે ચંદૌલીની એક ખાનગી હોસ્પિટલમાં ઘુસીને ત્યાં સારવાર લઈ રહેલી એક મહિલાને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

લોકોએ પકડ્યો અને પોલીસે ઠાર કર્યો

હોસ્પિટલમાં મહિલાની હત્યા કર્યા બાદ ભાગવા જતાં સ્થાનિક લોકોએ હિંમત બતાવી ગુરપ્રીતને પકડી પાડ્યો હતો. લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ જ્યારે તેને રાત્રે 'ક્રાઈમ સીન રિક્રિએશન' (ગુનાનું પુનરાવર્તન) કરાવવા ઘટનાસ્થળે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પાસેથી પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આત્મરક્ષાર્થે પોલીસે કરેલા ફાયરિંગમાં આ 'સાયકો કિલર' ઠાર મરાયો હતો.

શા માટે કરી હત્યાઓ?

આરોપી ગુરપ્રીત સિંહના આ હિંસક વલણ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ તે માનસિક રીતે અસ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, તેણે જે રીતે એક પછી એક ત્રણ લોકોની હત્યા કરી તેનાથી યુપી પોલીસ અને રેલ્વે સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા હતા. આ એન્કાઉન્ટર સાથે જ છેલ્લા ૩૬ કલાકથી ચાલતા આ ખૌફનાક પ્રકરણનો અંત આવ્યો છે.

આમ, ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના કડક સંદેશ સાથે વધુ એક આરોપીને તેના પાપની સજા 'ઓન ધ સ્પોટ' મળી ગઈ છે.

(8:11 PM IST)