<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

​ઇસ્લામાબાદની પક્ષપાતી નીતિઓ સામે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભભૂક્યો જનાક્રોશ: ઘઉંનો લોટ, વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ મેળવવા હજારો નાગરિકો રસ્તા પર ઉતર્યા

​સંયુક્ત અવામી એક્શન કમિટીના નેતૃત્વમાં જનઆંદોલન વધુ હિંસક બન્યું; સમગ્ર પ્રદેશમાં બજારો સજ્જડ બંધ, દેખાવોને કચડી નાખવા પાકિસ્તાન સરકારે ઈન્ટરનેટ સેવાઓ ઠપ કરી લશ્કરી દમન શરૂ કર્યું

​મુઝફ્ફરાબાદ: પાકિસ્તાન શાસિત અને ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) લાંબા સમયથી ચાલી રહેલો જનઅસંતોષ હવે એક વિરાટ જનઆંદોલન અને બળવાના સ્વરૂપમાં ફેરવાઈ ગયો છે. ઇસ્લામાબાદની કેન્દ્રીય સરકાર અને પાકિસ્તાનની લશ્કરી નીતિઓના કારણે સ્થાનિક જનતામાં સર્જાયેલો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાન સરકાર દ્વારા પ્રદેશમાં ઘઉંનો લોટ, જીવનરક્ષક દવાઓ, ઇંધણ અને અન્ય પાયાની ચીજવસ્તુઓનો સપ્લાય રોકી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં એક ગંભીર માનવીય સંકટ ઊભું થયું છે. પોતાની મૂળભૂત જરૂરિયાતો અને જીવનનિર્વાહ માટે વલખાં મારી રહેલા હજારો પુરુષો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવીને પાકિસ્તાન વિરોધી ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા છે.

​આ ભીષણ આંદોલનનું સંચાન પ્રદેશના સૌથી મોટા નાગરિક અધિકાર સંગઠન 'જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમિટી' (JAAC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા આપવામાં આવેલા સંપૂર્ણ બંધના આહવાનને પગલે મુઝફ્ફરાબાદ અને રાવલકોટ સહિતના તમામ મુખ્ય શહેરોમાં બજારો અને વ્યાપારી સંસ્થાનો સજ્જડ બંધ રહ્યા છે અને રસ્તાઓ પર સંપૂર્ણ સનાટો વ્યાપી ગયો છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે પાકિસ્તાન સરકાર તેમના કુદરતી સંસાધનો અને જળસંપત્તિનો ઉપયોગ કરીને અબજો રૂપિયાની કમાણી કરી રહી છે, પરંતુ તેના બદલામાં સ્થાનિક જનતાને માત્ર આર્થિક તબાહી અને ભૂખમરો જ આપવામાં આવી રહ્યો છે. પ્રદેશની ૭૦ ટકા જેટલી સિંચાઈ અને વીજળી અન્ય પ્રાંતોમાં મોકલી દેવાતી હોવાથી સ્થાનિક લોકો અંધારપટ અને તીવ્ર પાણીની અછતનો સામનો કરી રહ્યા છે.

​અહેવાલો અનુસાર, આ શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાનની કઠપૂતળી સરકારે આ સંગઠન પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રશાસન દ્વારા મુખ્ય નેતાઓની ધરપકડ શરૂ કરાતા મામલો વધુ બિચક્યો હતો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પાકિસ્તાની સેના અને પેરામિલિટ્રી ફોર્સ (રેન્જર્સ) દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબાર, લાઠીચાર્જ અને ટીયર ગેસના પ્રહારમાં અસંખ્ય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


​આંદોલનકારીઓનો અવાજ દબાવવા અને આ ભીષણ હિંસા તેમજ માનવાધિકાર ઉલ્લંઘનના આંકડા દુનિયા સમક્ષ જતા રોકવા માટે પાકિસ્તાન વહીવટીતંત્રે સમગ્ર પ્રદેશમાં બ્લેકઆઉટ લાદી દીધો છે. સમગ્ર વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા વકીલોએ પણ અદાલતોનો બહિષ્કાર કરીને આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ, પાકિસ્તાનના આ આંતરિક વિદ્રોહ પરથી વૈશ્વિક ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા નિયંત્રણ રેખા (LoC) પરથી ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાના અહેવાલો સાંપડ્યા છે, જેને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ અને સેના સરહદ પર હાઈ-એલર્ટ થઈ ગઈ છે.

(5:50 PM IST)