News of Wednesday, 25th November 2026
બ્રહ્માંડની નવી સુંદરીનો તાજ પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટોના શિરે : ભારતની કાઝિયા લિઝ મેજો ટોપ 30 સુધી પહોંચીને બહાર
75મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 દેશોની સુંદરીઓને પછાડી જેનિફર વિજેતા બની : ડોમિનિકન રિપબ્લિક પ્રથમ રનર અપ અને વેનેઝુએલા ત્રીજા સ્થાને : સાયકોલોજીમાં બે માસ્ટર ડિગ્રી ધરાવતી જેનિફર અમેરિકન સંરક્ષણ વિભાગમાં પણ સેવા આપી ચૂકી છે

સાન જુઆન : વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા ગણાતી 75મી મિસ યુનિવર્સ 2026 નો તાજ પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટોએ પોતાના નામે કરી લીધો છે. પોતાના જ વતન પ્યુઅર્ટો રિકોના સાન જુઆન સ્થિત જોસ મિગુએલ એગ્રેલોટ કોલિઝિયમ ખાતે આયોજિત ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં 116 દેશોની સ્પર્ધકો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિકની સુંદરી ફર્સ્ટ રનર અપ રહી હતી જ્યારે વેનેઝુએલાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી કાઝિયા લિઝ મેજોએ શાનદાર પ્રદર્શન કરીને ટોપ 30 માં સ્થાન બનાવ્યું હતું પરંતુ ટોપ 12 પહેલા જ તે સ્પર્ધામાંથી બહાર થઈ જતા ભારતનું તાજ જીતવાનું સપનું વધુ એક વર્ષ લંબાયું છે.
મિસ યુનિવર્સ 2026 નો ખિતાબ જીતનારી જેનિફર બેરેટો માત્ર સૌંદર્ય જ નહીં પરંતુ ઉચ્ચ શિક્ષણ અને સમાજસેવાનો પણ અદભુત સંગમ ધરાવે છે. વ્યવસાયે પ્રિવેન્શન સ્પેશિયાલિસ્ટ એવી જેનિફરે રિસર્ચ સાયકોલોજીમાં બેચલર ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તે સાયકોલોજી અને ક્લિનિકલ સોશિયલ વર્ક એમ બે વિષયોમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. વર્ષ 2021 માં તેણે ટેક્સાસના ફોર્ટ હૂડ ખાતે યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફેમિલી એડવોકેસી પ્રોગ્રામ હેઠળ એજ્યુકેટર અને ક્રાઈસિસ કો રિસ્પોન્ડર તરીકે તેણે ઘરેલુ હિંસા અને બાળ શોષણનો ભોગ બનેલા સૈન્ય પરિવારોને મદદ પૂરી પાડી હતી. તેણે કાર્લ આર ડાર્નલ આર્મી મેડિકલ સેન્ટરમાં સ્વયંસેવક તરીકે પણ સેવા આપી છે અને હાલમાં તે પ્યુઅર્ટો રિકોમાં પીડિયાટ્રિક ડાયાબિટીસ એસોસિએશન સાથે મળીને સામાજિક કાર્યો કરી રહી છે.
આ સ્પર્ધાને 75 વર્ષ પૂર્ણ થયા હોવાથી આ વખતનું આયોજન અત્યંત ખાસ રહ્યું હતું. સ્પર્ધકોનું મૂલ્યાંકન નેશનલ કોસ્ચ્યુમ, પ્રિલિમિનરી અને ફાઈનલ રાઉન્ડમાં તેમના સ્ટેજ પરફોર્મન્સ અને હાજરજવાબીના આધારે કરવામાં આવ્યું હતું. ગત વર્ષની મિસ યુનિવર્સ મેક્સિકોની ફાતિમા બોશે વિજેતા જેનિફરને તાજ પહેરાવ્યો હતો. મિસ યુનિવર્સના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર જેનિફરનું બ્રહ્માંડની નવી રાણી તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ વિદાય લઈ રહેલી ફાતિમા બોશના એક વર્ષના પ્રેરણાદાયી કાર્યકાળ બદલ તેનો આભાર માનવામાં આવ્યો હતો. જોકે આ 75મી આવૃત્તિ સ્પર્ધકોના ખસી જવા, ફ્રેન્ચાઈઝી અધિકારોના વિવાદો અને ઈવેન્ટ મેનેજમેન્ટની ખામીઓને કારણે ભારે વિવાદોમાં પણ સપડાયેલી રહી હતી.
ભારતની વાત કરીએ તો વર્ષ 2021 માં હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી દેશ આ પ્રતિષ્ઠિત તાજની રાહ જોઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ભારત તરફથી 1994 માં સુષ્મિતા સેન, 2000 માં લારા દત્તા અને 2021 માં હરનાઝ સંધુએ આ ખિતાબ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
