<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

2020ના ચંદીગઢ રમખાણ કેસમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAP નેતાઓની મુશ્કેલી વધશે: FIR રદ કરવાના હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ!

ચંદીગઢ વહીવટીતંત્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: CM ભગવંત માન સહિત AAPના સીનિયર નેતાઓ પાસે માંગવામાં આવ્યો જવાબ

નવી દિલ્હી, તા.30: વર્ષ 2020ના વિરોધ પ્રદર્શન અને હિંસા સાથે જોડાયેલા એક ચર્ચિત કેસમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટી (AAP) ના કેટલાક પ્રભાવશાળી નેતાઓની કાનૂની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા આ નેતાઓ સામેની FIR અને ચાર્જશીટ રદ કરવાના ચુકાદાને પડકારતી ચંદીગઢ વહીવટીતંત્રની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અન્ય આપ નેતાઓને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપરાંત આમ આદમી પાર્ટીના સીનિયર નેતાઓ હરપાલ સિંહ ચીમા, ગુરમીત સિંહ, મીત હેયર, બલજિંદર કૌર અને અમન અરોરા સહિતના અન્ય નેતાઓને નોટિસ જારી કરી છે.
સુનાવણી દરમિયાન ચંદીગઢ વહીવટીતંત્ર વતી રજૂ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસ. વી. રાજુએ દલીલ કરી હતી કે, "આ ગેરકાયદેસર રીતે ભેગા થવાનો અને હિંસક બળપ્રયોગ કરવાનો ગંભીર કેસ હતો. તેમ છતાં હાઈકોર્ટે સંપૂર્ણપણે ભૂલભરેલો આદેશ આપીને આ કેસને રદ કરી દીધો હતો."
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં પંજાબમાં વીજળીના દરમાં થયેલા વધારા સામે આપ નેતાઓએ ચંદીગઢમાં તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. આ દરમિયાન આશરે 750 થી 800 કાર્યકરોએ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. અગાઉ હાઈકોર્ટે આપ નેતાઓ સામે કોઈ પ્રાથમિક ગુનો બનતો ન હોવાનું કહી FIR રદ કરી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના વલણ બાદ આ કેસ ફરીથી જીવંત થયો છે.

(6:08 PM IST)